વીરપુરમાં કાલે પોણાત્રણ લાખ લોકોએ કર્યા જલાબાપાનાં દર્શન

21 November, 2012 06:16 AM IST  | 

વીરપુરમાં કાલે પોણાત્રણ લાખ લોકોએ કર્યા જલાબાપાનાં દર્શન

આટલી મોટી સંખ્યામાં ભાવિકો હોવા છતાં પણ વીરપુરમાં કોઈ ધાંધલધમાલ નહોતી થઈ એ સૌથી મહત્વની વાત છે. રાજકોટના કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમારે કહ્યું હતું કે ‘સૌથી સારી વાત એ છે કે આટલા લોકો એકત્રિત થયા હોવા છતાં ચેઇન ખેંચાવાના કે પર્સ તફડાવવા જેવી ઘટના પણ બની નથી. આટલી સ્વયં શિસ્ત કદાચ અન્ય કોઈ સ્થળે નહીં હોય.’

જલારામ જયંતીએ વીરપુર માટે દિવાળી જેટલું જ મહત્વ ધરાવતો તહેવાર છે. સાત દિવસ પહેલાં પહેલી અને ગઈ કાલે બીજી દિવાળી હોય એમ વીરપુરમાં રહેતા તમામ લોકોએ ગઈ કાલે ઘરની બહાર રંગોળી કરી હતી. વીરપુરની બજાર પણ સવારના છ વાગ્યાથી ખૂલી ગઈ હતી, જે રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. ગઈ કાલે જલારામ મંદિરમાં સાડાચાર લાખ લોકોએ પ્રસાદ લીધો હતો.