કચ્છના સફેદ રણમાં કૅમેરા પર પ્રતિબંધ

31 December, 2016 03:50 AM IST  | 

કચ્છના સફેદ રણમાં કૅમેરા પર પ્રતિબંધ




ઉત્સવ વૈદ્ય

થોડા સમય અગાઉ કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણમાં કોઈક પ્રવાસીએ ડ્રોન કૅમેરા વડે ફિલ્મ બનાવી હોવાથી દેશની સલામતી જોખમાઈ હોવાના અખબારી અહેવાલ બાદ સફેદ રણમાં ફોટોગ્રાફી કરવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને એને પગલે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓમાં નારાજગી પ્રસરી છે.

તાજેતરમાં રણોત્સવને માણવા આવેલા કોઈ પ્રવાસીએ ડ્રોન કૅમેરા વડે રણની વિડિયોગ્રાફી કરી હોવાના અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છમાં ડ્રોનથી થયેલી વિડિયોગ્રાફી જોખમી હોવાનું ધ્યાનમાં લઈને રણોત્સવને માણવા આવતા પ્રવાસીઓ પાસે સ્ટિલ કૅમેરા હોય એને પણ ભારતીય લશ્કરના જવાનો રણના મુખ્ય દ્વાર પાસે જ લઈ લેતા હોવાને કારણે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓને મોબાઇલ ફોન રણમાં લઈ જવા પર કોઈ પ્રકારની રોકટોક કરવામાં આવતી ન હોવાથી મને-કમને મોબાઇલના કૅમેરાથી ફોટોગ્રાફી કરવાનો સંતોષ માનવો પડી રહ્યો છે.

મુંબઈથી ખાસ રણોત્સવ માણવા કચ્છ ગયેલા નિયત અંજારિયાએ જણાવ્યું હતું કે ‘કચ્છના સફેદ રણમાં ફોટોગ્રાફી કરવા માટે મોંઘોદાટ કૅમેરા ખરીદ્યો હતો. સફેદ રણમાં પ્રવેશ પહેલાં જ ચોકીમાં બેઠેલા લશ્કરના જવાનોએ સુરક્ષાના કારણસર કૅમેરા લઈ લેતાં અદ્ભુત કુદરતી સૌંદર્યને કૅમેરામાં કેદ ન કરી શક્યો એ વાતનું દુ:ખ છે.’

દેશ-દેશાવરથી આવતા પ્રવાસીઓને સ્ટીલ કૅમેરા સાથે ફોટોગ્રાફી કરવાની તંત્રે મંજૂરી આપવી જોઈએ એવી માગણી પ્રવાસીઓ કરી રહ્યા છે.