આવતા ૫ મહિનામાં મોદી પાસે છે માત્ર ૧૦ જ કલાક

04 November, 2011 02:42 PM IST  | 

આવતા ૫ મહિનામાં મોદી પાસે છે માત્ર ૧૦ જ કલાક



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૪

જો આવતા પાંચ મહિનામાં તમારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં મળવું હોય તો તમારે બહુ મોટા કૉન્ટૅક્ટ કે ર્સોસનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આવતા પાંચ મહિનામાં મુખ્ય પ્રધાન પાસે રોકડા દસ કલાક ખાલી પડ્યા છે. બાકીની બધા દિવસો અને એ દિવસોના કલાકોમાં મીટિંગ ગોઠવાઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય પ્રધાનના કાર્યાલય પર કડક સૂચના આપી દેવામાં આવી છે કે હવે પછીની એક પણ મીટિંગ નરેન્દ્ર મોદીને પૂછ્યા વિના ગોઠવવાની નથી. આ કાર્યાલયમાં મહત્વની ડ્યુટી સંભાળતા સિનિયર ઑફિસરે ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનને ઇમર્જન્સીમાં કોઈને મીટિંગ ફાળવવાની આવે તો એ સમયે કોઈ પ્રૉબ્લેમ ન થાય એ માટે દસ કલાક ખાલી રાખવામાં આવ્યા છે. મીટિંગની જે ફાળવણી થઈ છે એ સવારે સાડાદસ વાગ્યાથી સાંજે સાડાછ વાગ્યા સુધીના સમયગાળામાં થઈ છે. મોદીસાહેબ એ પછી પણ પોતાના બંગલેથી કામ કરતા હોય છે. બંગલા પરથી આપવામાં આવતી અપૉઇન્ટમેન્ટ પણ ૩૧ માર્ચ સુધીની આપી દેવામાં આવી છે.’

એકદમ ટાઇટ શેડ્યુલ વચ્ચે જો હવે મુખ્ય પ્રધાને કોઈને અચાનક જ મળવાનું થાય તો તેમની પાસે અગાઉની અપૉઇન્ટમેન્ટ કૅન્સલ કરવાનો કે એ મીટિંગનો સમય ટૂંકો કરવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહ્યો નથી.

તમે આપો એ નહીં, મારે જે લેવું હશે એ હું લઈશ

અમદાવાદ અને નવસારીના સદ્ભાવના ઉપવાસ દરમ્યાન મુસ્લિમ અગ્રણીએ આપેલી ટોપી અને શાલ નહીં સ્વીકારતાં જે વિવાદ થયો હતો એ હવે રિપીટ ન થાય અને એની અસર વૉટ-બૅન્ક પર ન પડે એ હેતુથી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયના ઑફિસર સાથે બેસીને એક એવી યાદી બનાવી છે, જેમાં પોતે કઈ ગિફ્ટ સ્વીકારશે અને કઈ ગિફ્ટ નહીં સ્વીકારે એનું આખું લિસ્ટ છે. મુખ્ય પ્રધાનના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને બનાવેલી યાદીમાં પોતે શું સ્વીકારશે એ લિસ્ટમાં સવાસો જેટલી આઇટમ લખવામાં આવી છે, જ્યારે શું નહીં સ્વીકારવામાં આવે એ લિસ્ટમાં અઢીસોથી વધુ આઇટમ મેન્શન કરવામાં આવી છે. આ બન્ને લિસ્ટ ઓપન રહેશે અને જરૂર પડ્યે એમાં આઇટમ ઉમેરાતી જશે.’

આ યાદીની સાથોસાથ એક નિયમ પણ હવે બનાવવામાં આવ્યો છે કે સ્ટેજ પર આવતી વ્યક્તિ કઈ ગિફ્ટ સાથે ઉપર આવી રહી છે એ પહેલાં સ્ટેજ પાસે ઊભેલા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ઑફિસર ચેક કરશે. જો તે વ્યક્તિ યાદીની નકારાત્મક સાઇડ પર લખવામાં આવેલી ગિફ્ટ સાથે સ્ટેજ પર જતી હશે તો તેને ગિફ્ટ સાથે સ્ટેજ પર જવા દેવામાં નહીં આવે.