VIDEO : સોનિયા બોલ્યા ગુજરાતીમાં "હાથના નિશાન પર બટન..."

14 December, 2012 09:50 AM IST  | 

VIDEO : સોનિયા બોલ્યા ગુજરાતીમાં "હાથના નિશાન પર બટન..."


તા.14 ડિસેમ્બર, 2012


આ સભામાં સોનિયા ગાંધીએ ગુજરાતીમાં બોલીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોનિયાએ કોંગ્રેસને જીતાડવા માટેની અપીલ ગુજરાતીમાં કરી હતી.. જુઓ વિડીયોમાં અને સાંભળો કે સોનિયા ગાંધી ગુજરાતીમાં શું બોલ્યા?

વિડીયો



ગુજરાત ગાદીયુદ્ધના સંપૂર્ણ કવરેજ માટે અહીં ક્લિક કરો




ગુજરાતમાં ચૂંટણીજંગ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ગઈ કાલે ઉત્તર ગુજરાતના કલોલમાં જાહેર સભાને સંબોધવા આવેલાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના ભાષણના અંતમાં સૌપ્રથમ વાર ગુજરાતી ભાષામાં બોલતાં કહ્યું હતું કે મારી આપને વિનંતી છે કે હાથના નિશાન પર બટન દબાવીને કૉન્ગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવો.

ગુજરાતી સાંભળીને લોકો ચોંક્યા


કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને ગુજરાતીમાં બોલતાં સાંભળીને ઉપસ્થિત લોકોને આર્ય થયું હતું. કૉન્ગ્રેસને વોટ આપવા ગુજરાતી ભાષામાં અપીલ કરતાં જનમેદનીએ તેમની આ શૈલીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સોનિયા ગાંધીએ જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતૃત્વમાં ગુજરાતે ભારતને રસ્તો બતાવ્યો છે. બીજેપી સરકારે આ પ્રણાલી તોડી છે. બીજેપી સરકાર ચૂંટણી વખતે મોટી જાહેરાતો કરીને પ્રજાને સપનાં બતાવે છે અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે.’

નામ લીધા વિના મોદી ટાર્ગેટ 


સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘ખેડૂતો માટે કેન્દ્રની યુપીએ સરકારે કરોડો રૂપિયાનાં દેવાં માફ કરીને તેમના જીવનમાં ઉજાશ પાથર્યો છે. પાણી, વીજળી, રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ માટે વ્યવસ્થિત આયોજન કરીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. ૧૦૮ ઍમ્બ્યુલન્સ સર્વિસ ૨૪ કલાક મળી રહે એ માટે શરૂ કરી છે એ પણ કેન્દ્રની યુપીએ સરકારે અમલમાં મૂકી છે, પરંતુ ગુજરાત સરકાર એના પર પોતાનો ફોટો અને જાહેરાત કરીને રાજ્યની યોજના છે એવો ભ્રમ ઊભો કરી રહી છે.’

તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સરક્રિકનો મુદ્દો ઉઠાવ્યો હતો એના સંદર્ભમાં સોનિયા ગાંધીએ મોદીનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘દેશની સીમાઓની ખોટી વાતો કરીને એકતા અને અખંડિતતાને નામે લોકોને ભડકાવવાનો પ્રયાસ કરે છે જે નિંદનીય છે. કૉન્ગ્રેસ પક્ષ દેશની એકતા અને અખંડિતતા બાબતે કોઈની રમત ચલાવી લેશે નહીં. કૉન્ગ્રેસ આ લડાઈ સત્તા માટે નથી લડી રહી, પરંતુ વિકાસથી બધાના જીવનમાં ખુશી આવે એ માટે લડી રહી છે.’

વીજળી માટે કેન્દ્ર રૂપિયા આપે છે


વીજળીની વાતનો ઉલ્લેખ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘ગુજરાતને પ્રતિ વર્ષ કેન્દ્ર સરકાર ૩૧૨૮ મેગાવૉટ વીજળી આપે છે. વીજળી માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે તેમ જ ગુજરાતને કૃષિ ક્ષેત્ર માટે વધારે વીજળી પણ આપી રહી છે, પરંતુ ગુજરાત સરકાર વધારે નફો રળવાના ઇરાદે ૮૦૦ મેગાવૉટ વીજળી બીજે વેચી મારે છે. ગુજરાતમાં લાખો ખેડૂતો વીજળીનાં કનેક્શન માટે લાઇનમાં ઊભા છે ત્યારે ખેડૂતો પર વીજચોરીના કેસ કરીને પરેશાન કરવામાં આવે તો શું આ ઘોર અન્યાય નથી?’

આ જાહેર સભામાં અંબિકા સોની, ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયા, ગુજરાત વિધાનસભાના કૉન્ગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.