બીજેપીનો સતત પાંચમો વિજય, મોદીનો સતત ત્રીજો

21 December, 2012 05:51 AM IST  | 

બીજેપીનો સતત પાંચમો વિજય, મોદીનો સતત ત્રીજો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં કાલે જાહેર થયેલાં પરિણામોમાં બીજેપીએ ૧૧૫ બેઠક સાથે સત્તા જાળવી રાખી હતી, જ્યારે કૉન્ગ્રેસે ૬૧ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. બહુ ગાજેલી કેશુભાઈ પટેલની પાર્ટી બે જ બેઠક જીતી શકી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મણિનગર બેઠક પર ૮૦,૦૦૦ કરતાં પણ વધારે વોટની સરસાઈથી જીત્યા હતા. સામે પક્ષે કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ અજુર્ન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ખુદ તેમની બેઠક પરથી પણ જીતી શક્યા નહોતા. કૉન્ગ્રેસના ચૂંટણી-અભિયાનની કમાન સંભાળનાર શંકરસિંહ વાઘેલા કપડવંજ બેઠક પરથી જીતી ગયા હતા.

આ સાથે ગુજરાતમાં બીજેપીનો આ સતત પાંચમો વિજય છે, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સળંગ ત્રીજી જીત છે. આ જીત સાથે હવે બીજેપીમાં મોદીની વડા પ્રધાનપદની દાવેદારી વધારે પ્રબળ બની છે. ગઈ કાલે અમદાવાદના ખાનપુરમાં આવેલા બીજેપીના મુખ્ય કાર્યાલય ખાતે મોદી વિક્ટરી સ્પીચ આપવા આવ્યા ત્યારે ચારે તરફ તેમને વડા પ્રધાનપદના દાવેદાર ગણાવતાં પોસ્ટરો જોવા મળતાં હતાં.

આ ચૂંટણીમાં ભલે કૉન્ગ્રેસની હાર થઈ હોય અને પાર્ટીના ટોચના નેતાઓ હાર્યા હોય, પણ ૨૦૦૭ની વિધાનસભાની સરખામણીએ ૨૦૧૨ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને નજીવો ફાયદો થયો છે. ૨૦૦૭ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૫૯ બેઠક મળી હતી, જ્યારે ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટ પ્રમાણે પાર્ટીને ૬૧ બેઠક મળી છે.

આ ચૂંટણીમાં કેશુભાઈની જીપીપી બીજેપીને મોટું નુકસાન પહોંચાડશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પણ આ તમામ અટકળોને ખોટી ઠેરવતાં જીપીપી માત્ર બે જ બેઠક પર સમેટાઈ ગઈ હતી. ઑગસ્ટ મહિનાથી અસ્તિત્વમાં આવેલી જીપીપીએ આ ઇલેક્શનમાં ગુજરાતની ૧૮૨ બેઠકમાંથી ૧૭૯ બેઠક પર ઉમેદવાર મૂક્યા હતા, પણ કેશુભાઈ પટેલ અને અમરેલી જિલ્લાની ધારી બેઠકના ઉમેદવાર નલિન કોટડિયા પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના ઉમેદવારથી ૧૫૭૫ મતે જીત્યા છે.