સાબરકાંઠામાં પાણી નથી એટલે નરેન્દ્ર મોદી ડૂબ્યા

21 December, 2012 03:50 AM IST  | 

સાબરકાંઠામાં પાણી નથી એટલે નરેન્દ્ર મોદી ડૂબ્યા



૨૦૦૭ની ચૂંટણીમાં સાતમાંથી પાંચ બેઠક પર બીજેપીના ઉમેદવારોને જીત અપાવનારા સાબરકાંઠાના મતદારોએ આ વખતે કૉન્ગ્રેસના છ ઉમેદવારોને જિતાડીને બતાવી દીધું છે કે ભલે નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો હોય, પણ એનાં ફળ આ વિસ્તારના લોકોને મળ્યાં નથી.

આમેય પછાત ગણાતા આ જિલ્લામાં ખેતીવાડીલાયક જમીન છે, ત્રણ ડૅમ છે; પણ પાણી નથી. મેશ્વો, ઇન્દ્રાસી અને હાથમતી ડૅમમાંથી ત્યાંના ખેડૂતોને પાણી મળ્યું નથી. જમીનોના ભાવ વધી ગયા, પણ ખેતરો સૂકાંભઠ રહેવાથી ચોમાસા સિવાય બીજા પાકની ઊપજ થતી ન હોવાથી ખેડૂતો નારાજ હતા. વળી આ વિસ્તારમાં પીવાના પાણીની પણ એટલી જ સમસ્યા છે જેનો ઉકેલ બીજેપીની પાંચ ટર્મમાં પણ આવ્યો નથી. અહીં ત્રણ કે ચાર દિવસ પછી પાણી મળે છે. નૅશનલ હાઇવે નંબર ૮ અહીંથી પસાર થવા છતાં આ પ્રદેશનો વિકાસ થાય નહીં એ આશ્ચર્ય છે. બીજેપીના સ્થાનિક નેતાઓએ આ વિસ્તાર પર ધ્યાન નથી આપ્યું એનાં પરિણામ આવાં આવ્યાં છે. વિકાસની વાતો ઘણી થઈ, પણ એનાં ફળ સાબરકાંઠાના લોકોને ચાખવા મળ્યાં નથી એટલે એનો ગુસ્સો લોકોએ બીજેપીને જાકારો આપીને વ્યક્ત કર્યો છે. લોકો કહે છે કે ગાંધીનગર જવાથી અમારાં કામ થતાં નથી અને એટલે અહીંના એક મિનિસ્ટરને પણ એની ઝાળ લાગી છે.

હિંમતનગર બેઠક પર ઊભા રહેલા બીજેપીના ઉમેદવાર અને રાજ્યના ગૃહપ્રધાન પ્રફુલ પટેલ ૧૨,૦૨૦ મતથી હારી ગયા છે. તેમની સામે કૉન્ગ્રેસના રાજેન્દ્રસિંહ ચાવડાનો વિજય થયો છે. પ્રફુલ પટેલને ૬૫,૨૯૮ મત મળ્યાં હતા, જ્યારે રાજેન્દ્રસિંહ ચાવડાને ૭૭,૩૧૮ મત મળ્યાં હતા.

બાયડ બેઠક પર ગયા વખતે બીજેપીની જીત થઈ હતી, પણ આ વખતે આ બેઠક કૉન્ગ્રેસે છીનવી લીધી છે. બીજેપીના ઉદયસિંહ ઝાલાને ૩૮,૭૨૩ મત મળ્યાં છે, જ્યારે કૉન્ગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાને ૭૪,૬૪૬ મત મળતાં ૩૫,૯૨૩ મતે મહેન્દ્રસિંહ વાઘેલા વિજયી થયા છે.

મોડાસા બેઠક કૉન્ગ્રેસે બીજેપી પાસેથી છીનવી લીધી છે. બીજેપીના દિલીપસિંહ પરમાર ૨૨,૮૫૮ મતથી હારી ગયા છે અને કૉન્ગ્રેસના રાજેન્દ્ર ઠાકોરનો વિજય થયો છે. દિલીપસિંહ પરમારને ૬૬,૦૨૧ મત જ્યારે રાજેન્દ્ર ઠાકોરને ૮૮,૮૭૯ મત મળ્યાં હતા.

પ્રાંતિજ બેઠક કૉન્ગ્રેસે બીજેપી પાસેથી છીનવી લીધી છે. કૉન્ગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાને ૭૬,૦૯૭ મત જ્યારે બીજેપીના જયસિંહ ચૌહાણને ૬૯,૦૮૩ મત મળતાં મહેન્દ્રસિંહ બારૈયાની ૭૦૧૪ મતે જીત થઈ છે.

ભિલોડા બેઠક પણ કૉન્ગ્રેસે જાળવી રાખી છે. કૉન્ગ્રેસના અનિલ જોશીયારાને ૯૫,૭૯૯ મત અને બીજેપીનાં નીલા મોડિયાને ૬૪,૨૫૬ મત મળતાં કૉન્ગ્રેસની ૩૧,૫૪૩ મતથી જીત થઈ છે.

ખેડબ્રહ્મા બેઠક કૉન્ગ્રેસે જાળવી રાખી છે અને એના ઉમેદવાર અશ્વિન કોટવાલ ૫૦,૧૩૭ મતથી વિજયી થયા છે. આ બેઠક પર બીજેપીના ભોજાભાઈ મકવાણાને ૩૮,૩૫૧ મત જ્યારે અશ્વિન કોટવાલને ૮૮,૪૮૮ મત મળ્યાં હતા.

રાહતની વાત એ રહી છે કે ઇડર બેઠક પરના બીજેપીના ઉમેદવાર અને રાજ્યના શિક્ષણપ્રધાન રમણલાલ વોરા ૧૧,૩૮૦ મતથી જીતી ગયા છે. તેમને ૯૦,૨૭૯ મત અને કૉન્ગ્રેસના રામાભાઈ સોલંકીને ૭૮,૮૯૯ મત મળ્યાં હતા.