10 December, 2023 09:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા
કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ધીરજ સાહુને ત્યાંથી કરોડો રૂપિયાની કૅશ જપ્ત થતાં એની સામે બીજેપીએ અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવ યોજ્યા હતા. અમદાવાદ શહેર બીજેપી દ્વારા ટાઉન હૉલની બહાર સંસદસભ્યો ડૉ. કિરીટ સોલંકી અને એચ. એસ. પટેલ, અમિત શાહ, અમિત ઠાકર સહિતના વિધાનસભ્યો, શહેરનાં મેયર પ્રતિભા જૈન, કૉર્પોરેટર, પદાધિકારીઓ તેમ જ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ‘કૉન્ગ્રેસ કા બસ એક હી કામ, ભ્રષ્ટાચાર મેં અવ્વલ નામ’ અને ‘મોહબ્બત કી દુકાન કા અસલી કામ લૂંટફૂટ ઔર જૂઠ કા બેચતે સામાન’ જેવાં લખાણ સાથેનાં બૅનર લઈને દેખાવ કરીને નારા લગાવ્યા હતા. અમદાવાદમાં બીજેપીના એક કાર્યકર રાહુલ ગાંધીનું મહોરું પહેરીને ઊભા રહ્યા હતા, જેમના હાથમાં રહેલા પ્લૅકાર્ડમાં લખ્યું હતું, ‘રાહુલ ગાંધી ભ્રષ્ટાચારીઓના બૉસ છે.’