દ્વારકાની ખંડિત ધજાજી શું સૂચવે છે?

15 June, 2023 10:19 AM IST  |  Rajkot | Rashmin Shah

બિપરજૉયના દ્વારકામાં આવેલા ભારે પવને જગતમંદિર પર ચડાવવામાં આવેલા ધજાજી ખંડિત કર્યા, આવું ભાગ્યે જ બને છે એવું મંદિરના પૂજારીનું કહેવું છે

દ્વારકાના જગતમંદિર પર બે-બે ધજાજી ચડાવવામાં આવ્યાં હતાં, જેમાંથી એક ધજાજી ગઈ કાલે ભારે પવનના કારણે ખંડિત થઈ ગઈ હતી

અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનના કારણે ઉદ્ભવેલા બિપરજૉય સાઇક્લોનને કારણે કોઈ નુકસાની ન થાય અને દ્વારકા સલામત રહે એવા ભાવથી દ્વારકાના જગતમંદિર પર બે-બે ધજાજી ચડાવવામાં આવ્યાં હતાં, જેમાંથી એક ધજાજી ગઈ કાલે ભારે પવનના કારણે ખંડિત થઈ ગઈ હતી. જગતમંદિરમાં દિવસ દરમ્યાન પાંચ ધજાજી ચડાવવામાં આવે છે અને એનું વેઇટિંગ લિસ્ટ બે વર્ષથી પણ લાંબા સમયનું હોય છે. જોકે બિપરજૉયના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ધજા ચડાવવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે તો ધજાજીને અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે.

ખંડિત થયેલી ધજાજી શું સૂચવે છે એવું પૂછતાં જગતમંદિરના પૂજારી અને ગુગળી બ્રાહ્મણ એવા પ્રણવભાઈએ કહ્યું હતું કે ‘આ સૂચવે છે કે દ્વારકાધિશે આફત પોતાના પર લઈ લીધી છે. અગાઉ પણ એવું બન્યું હોવાનાં ઇતિહાસમાં ઉદાહરણો છે કે જગતમંદિરના ધજાજીએ કુદરતી આફત પોતાનામાં સમાવી લીધી હોય અને દ્વારકાને સલામત રાખ્યું હોય. આ વખતે પણ ધજાનું ખંડિત થવું એ જ વાત સૂચવે છે કે બિપરજૉયથી દ્વારકા હવે સલામત છે અને ગુજરાત પણ ધીમે-ધીમે સુરક્ષિત થઈ જશે.’ જે રીતે બિપરજૉયે દિશા બદલાવી છે અને એ કચ્છના સિરક્રીક વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે એ જોતાં કહેવું પડે કે જગતમંદિર આજે પણ ચમત્કાર દર્શાવે છે.

cyclone biparjoy cyclone dwarka Rashmin Shah Weather Update Gujarat Rains gujarat news rajkot