‘બેશરમ છે આ પ્રજા તો’

01 August, 2021 08:52 AM IST  |  Rajkot | Rashmin Shah

સંજય દત્તના બર્થ-ડેએ ‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું ‘ભાઈ ભાઈ...’ સૉન્ગ રિલીઝ કરવામાં આવ્યું, જેમાં સૉન્ગના ઓરિજિનલ રચયિતા અરવિંદ વેગડાને ક્રેડિટ પણ ન આપનાર ટી-સિરીઝની મેલી મુરાદ સૌકોઈની સામે આવી ગઈ. વેગડા સાથે આવું ત્રીજી વાર બન્યું છે

‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ના ગીત ‘ભાઈ ભાઈ...’માં સંજય દત્ત, અરવિંદ વેગડા

હૉટસ્ટાર પર રિલીઝ થનારી ફિલ્મ ‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં રણછોડ પગીનું કૅરૅક્ટર કરતા સંજય દત્તનો બે દિવસ પહેલાં બર્થ-ડે હતો. સંજુના બર્થ-ડેએ ફિલ્મનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું, પણ રિલીઝ થયેલા સૉન્ગ બાદ ફિલ્મના પ્રોડ્યુસર અને મ્યુઝિક રાઇટ્સ ધરાવતી કંપની ટી-સિરીઝથી માંડીને ફિલ્મના ડિરેક્ટર અભિષેક દુધેયાની મેલી મુરાદ સૌકોઈની સામે ખુલ્લી પડી ગઈ. ૧૨ વર્ષ પહેલાં આ સૉન્ગ બનાવીને જેમણે દુનિયાભરના ગુજરાતીઓમાં લખલૂટ લોકચાહના મેળવી એ અરવિંદ વેગડાની ડિરેક્ટર કે પ્રોડ્યુસરે પરમિશન લેવાની દરકાર તો ન કરી, પણ ક્રેડિટ આપવાનું સૌજન્ય પણ ન દેખાડ્યું. ઓરિજિનલ કમ્પોઝર અરવિંદ વેગડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘બૉલીવુડ બહુ મોટું છે અને આપણે બધા એના ફૅન્સ છીએ, પણ એનો અર્થ એવો નથી કે લોકો પોતાની મરજી મુજબ કોઈનું પણ ગીત પોતાના નામે ચડાવી દે. હું તો કહીશ કે ઓરિજિનલ લાઇન્સ જ્યારે ગીતકારથી માંડીને કમ્પોઝરને આપવામાં આવી હોય ત્યારે જ તેમણે કહેવાનું હોય કે આપણી પાસે આના રાઇટ્સ કે પરમિશન છે ખરાં.’

અફસોસની વાત એ છે કે અરવિંદ વેગડાના આ એક ગીતની અગાઉ પણ બે વખત આ જ પ્રકારે ચોરી થઈ ચૂકી છે, જેમાંથી એક ફિલ્મ તો રિલીઝ જ ન થઈ, તો સંજય લીલા ભણસાલીની ‘રામલીલા - ગોલિયોં કી રાસલીલા’માં પણ ‘ભાઈ ભાઈ...’ને લેવામાં આવ્યું. અરવિંદ વેગડા કહે છે, ‘એ ફિલ્મમાં તો ઝવેરચંદ મેઘાણીનું પણ સીધું ગીત ઉઠાવ્યું હતું, જેને માટે આખું ગુજરાત એક થયું એટલે તેમણે નાછૂટકે ક્રેડિટ આપી, પણ આવું ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી આવી ચોરી થતી રહેશે. મને માત્ર મેકર્સ જ નહીં, પણ આ સૉન્ગ સાથે જોડાયેલા તમામેતમામ ક્રીએટર્સ સામે પણ વાંધો છે. કાગડો પણ કાગડાનું માંસ ખાતો નથી ત્યારે તમે કઈ રીતે કોઈની ક્રેડિટને આ રીતે વટાવી ખાઈ શકો.’

અરવિંદ વેગડા અત્યારે લીગલ ઍક્શન માટે એક્સપર્ટ્સની ઍડ્વાઇઝ લે છે. અરવિંદભાઈએ કહ્યું કે ‘મને મારા માટે આ ઍક્શન નથી લેવી, પણ રીજનલ આર્ટિસ્ટ સાથે આ બૉલીવુડવાળા વારંવાર આવું કરે છે. તેમની રચનાઓ ચોરી લે છે એ બંધ થાય એ માટે પગલાં લેવાનું મન છે. તમે જુઓ પંજાબી, હરિયાણવી, મરાઠી કેટકેટલી રચનાઓની ચોરી તેમણે કરી છે અને ક્રેડિટ આપવાની સૌજન્યશીલતા દાખવી નથી. આ રીત નથી, આનાથી મોટી હલકટાઈ બીજી કોઈ નથી, બેશરમ છે આ પ્રજા.’

‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ના ડિરેક્ટર અભિષેક દુધેયા ગુજરાતી છે, અરવિંદ વેગડાએ તેનો પણ કૉન્ટૅક્ટ કરવાની ટ્રાય કરી, પણ અભિષેકનો સંપર્ક થઈ શક્યો નહોતો. ગઈ કાલે પણ અભિષેકને આ બાબત માટે ફોન કરવામાં આવ્યા હતા, પણ તેણે ફોન રિસીવ નહોતો કર્યો.

ફોક સિંગર અને ગુજરાતી રૉકસ્ટાર અરવિંદ વેગડા હજી બે મહિના પહેલાં જ સેન્સર બોર્ડની ઍડ્વાઇઝરી કમિટીમાં મેમ્બર તરીકે સિલેક્ટ થયા છે.

‘ભાઈ ભાઈ’ના મૂળમાં...

મૂળ ‘ભાઈ ભાઈ’ સૉન્ગ ભવાઈ પરથી તૈયાર કરવામાં આવ્યું છે. આ જે લહેકો છે એ ૧૦૦૦ વર્ષ પહેલાં ભવાઈમાં વાપરવામાં આવતો અને ભવાઈના વ્યવસાય સાથે જોડાયેલી નાયક કમ્યુનિટીએ એ ડેવલપ કર્યો હતો. અરવિંદ વેગડાએ એ પોતાનું વર્ઝન તૈયાર કરવામાં નાયક કમ્યુનિટીની મદદ પણ લીધી હતી. અરવિંદભાઈ કહે છે, ‘અફસોસ એ વાતનો છે કે ટી-સિરીઝ જેવી મોટી કંપનીએ એ નાયક કમ્યુનિટીમાંથી કોઈને ગાવાની તક આપવાને બદલે ગુજરાતી થાળીમાં પંજાબી સિંગર પીરસી દીધો.’

gujarat gujarat news upcoming movie t-series sanjay dutt arvind vegda Rashmin Shah