✕

ભાવનગરના કાજલ બારૈયા હત્યા-કેસમાં આરોપી ફૈઝલ ખાટકીને કોર્ટે ફટકારી જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા

07 November, 2026 11:04 AM IST  |  Bhavnagar | Gujarati Mid-day Correspondent

આ કેસમાં ગુરુવારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરવામાં આવી હતી.

ફૈઝલ ખાટકી

સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરના સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસ-સ્ટૅન્ડમાં પોતાની લિવ-ઇન પાર્ટનર કાજલ બારૈયાને પછાડી-પછાડીને જાનથી મારી નાખનાર ફૈઝલ ખાટકીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફરમાવી છે. ભાવનગરમાં આ સંભવિત રીતે પહેલી વાર બન્યું છે કે પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ કોર્ટે ૩૧ દિવસમાં ચુકાદો જાહેર કર્યો હોય.

ફૈઝલ ખાટકીએ તેની લિવ-ઇન પાર્ટનર કાજલ બારૈયા પર આડા સંબંધની શંકા રાખીને આ વર્ષની ત્રીજી સપ્ટેમ્બરે તેની હત્યા કરી હતી. આ ઘટના ST બસ-સ્ટૅન્ડના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. પોતાની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને ક્રૂરતાપૂર્વક અને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારનાર ફૈઝલ ખાટકી સામે પોલીસે ૪ સપ્ટેમ્બરે ગુનો નોંધ્યો હતો અને ઝડપી લીધો હતો. આરોપી સામે પોલીસે કાર્યવાહી કરીને ૪ ઑક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં ગુરુવારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીક લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરવામાં આવી હતી.

jihad murder case aam aadmi party gujarat police gujarat news