10 March, 2024 10:45 AM IST | Bharuch | Gujarati Mid-day Correspondent
દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની કૉર્નર મીટિંગમાં કાર્યકરો, આગેવાનો, સ્થાનિક નાગરિકો
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતમાં પહોંચી ત્યારે તેમને આમ આદમી પાર્ટી (આપ)નો સાથ મળ્યો હતો, પણ પોતાના એક યા બીજા કારણસર દૂર રહ્યા હતા. ભરૂચ વિસ્તારમાં એક સમયે જેમનો દબદબો હતો અને ગાંધી પરિવારના નજીકના નેતા હતા તે સ્વ. અહમદ પટેલના પરિવારનાં ફૈઝલ અને મુમતાઝ ભારત જોડો ન્યાય યાત્રામાં ગેરહાજર રહ્યાં હતાં, પરંતુ ‘આપ’ના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સહિત કાર્યકરો યાત્રામાં જોડાયા હતા.
ભરૂચ કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓનું નારાજ જૂથ પણ યાત્રામાં જોડાયું નહોતું. પોતાના પક્ષના નેતા જ્યારે આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે કૉન્ગ્રેસના આગેવાનો, કાર્યકરો હાજર રહેતા હોય છે; પરંતુ અહમદ પટેલનાં પુત્ર અને પુત્રી ગેરહાજર રહેતાં સવાલો ઊઠ્યા હતા.
અહમદ પટેલનાં પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી અને કૉન્ગ્રેસના ટોચના નેતાઓ સમક્ષ પણ આ બેઠક માટે વાત કરી હતી. જોકે આપ સાથે ગઠબંધન થતાં કૉન્ગ્રેસે ભરૂચ લોકસભા બેઠક એને ફાળવી દેતાં ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ નારાજ થયાં હતાં અને આ નારાજગીના પગલે તેઓ રાહુલ ગાંધીની યાત્રાથી અળગાં રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.