બેઠક બોલે છેઃ જાણો પાટણ લોકસભા બેઠકને

30 March, 2019 11:11 AM IST  |  પાટણ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો પાટણ લોકસભા બેઠકને

જાણો પાટણ લોકસભા બેઠકને

પાટણી સ્થાપના ઈ.સ. 745માં વનરાજ ચાવડા એ કરી હતી. આ શહેર આજે પણ વારસાનું જતન કરી રહ્યું છે. જૈન મંદિરો, સહસ્ત્રલિંગ તળાવ, રાણી ની વાવ પાટણની શાન છે. અને પાટણના પટોળાની તો વાત જ શું કરવી? પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની છે પાટણની લોકસભા બેઠક.

પાટણની રાણીની વાાવ(તસવીર સૌજન્યઃ wikipedia)

પાટણના મતદાતાઓની વાત કરીએ તો અહીં 8 લાખ 46 હજાર 195 પુરુષ મતદાતા છે. જ્યારે 7 લાખ 82 હજાર 446 મહિલા મતદાતા છે.

પાટણની ઓળખ છે આ પટોળા

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

પાટણ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
વડગામ જીજ્ઞેશ મેવાણી અપક્ષ
કાંકરેજ કિરિટસિંહ વાઘેલા ભાજપ
રાધનપુર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ
ચાણસ્મા દિલિપ રાઠોડ ભાજપ
પાટણ કિરિટ પટેલ કોંગ્રેસ
સિદ્ધપુર ચંદનજી ઠાકોર કોંગ્રેસ
ખેરાલુ દિલિપ રાઠોડ ભાજપ

 

લોકસભા ચૂંટણીના પરિણામો

પાટણ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા.

વર્ષ 2009ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યારે ભાજપના ભાવસિંહ રાઠોડનો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે 18 હજાર મતથી પરાજય થયો હતો.

2004માં ગુજરાતી સિનેમાના જાણીતા ચહેરા મહેશ કનોડિયાને ભાજપે ટિકિટ આપી હતી. જેઓ જીતીને ચોથી વાર સાંસદ બન્યા હતા. વર્ષ 1991 થી સતત ત્રણ ટર્મ સુધી મહેશ કનોડિયા ચૂંટાઈ રહ્યા હતા. જો કે વર્ષ 1999માં પ્રવીણ રાષ્ટ્રપાલે તેમને હરાવી આ સિલસિલો તોડ્યો હતો. વર્ષ 2004માં ભાજપે ફરી તેમને તક આપી અને જીતી ગયા.

જાણો પાટણના સાંસદને...

ચાણસ્મા તાલુકાના પિંપળમાં જન્મેલા 84 વર્ષના લીલાધર વાઘેલા હાલ પાટણનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ખેતી, પત્રકારત્વ અને સમાજસેવામાં પોતાનું જીવન વિતાવ્યું છે. લીલાધર વાઘેલા ઉત્તર ગુજરાતની રાજનીતિમાં મોટું નામ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી બનાસ સંદેશના સ્થાપક તંત્રી છે.

લીલાધર વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. 2004માં જ્યારે તેઓ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. જો કે તેઓ તેમાં હારી ગયા હતા.

લીલાધર વાઘેલા 1975 થી 1980, 1985 થી 1995, 1998 થી 2002 અને 2007 થી મે- 2017 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. સાથે જ તેઓ રાજ્ય સરકારમાં પંચાયત, કન્ઝ્યુમર અફેર્સ, ખેતી અને જેલ, શ્રમ અને રોજગાર મંત્રી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને SEBC વેલ્ફેર મંત્રી રહી ચુક્યા છે. સાંસદ હોવાની સાથે તેઓ અલગ અલગ સમિતિઓના સભ્ય પણ છે.

પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ આ વખતે બનાસકાંઠા ટિકિટ માંગી હોવાની પણ ચર્ચા છે. સાથે તેમણે પોતાના પુત્ર માટે પણ ટિકિટ માંગી છે. હાલ બનાસકાંઠાથી હરીભાઈ ચૌધરી સાંસદ છે.

2019ની રેસમાં કોણ?

પાટણ બેઠક માટે ભાજપે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. જ્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

Loksabha 2019 gujarat Gujarat BJP Gujarat Congress