બેઠક બોલે છેઃ જાણો રાજકોટ લોકસભા બેઠકને

06 April, 2019 11:02 AM IST  |  રાજકોટ

બેઠક બોલે છેઃ જાણો રાજકોટ લોકસભા બેઠકને

જાણો રાજકોટ લોકસભા બેઠકને

ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારોમાંથી એક છે રાજકોટ. અહીંથી જ વડાપ્રધાન મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અને હાલ અહીંથી મોહનભાઈ કુંડારિયા સાંસદ છે.

તસવીર સૌજન્યઃ વિકીપીડિયા

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

રાજકોટ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
ટંકારા લલિત કગથરા કોંગ્રેસ
વાંકાનેર મોહમ્મદ જાવેદપીરઝાદા કોંગ્રેસ
રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી ભાજપ
રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી ભાજપ
રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ ભાજપ
રાજકોટ ગ્રામ્ય લાખાભાઈ સાગઠિયા ભાજપ
જસદણ કુંવરજી બાવળિયા ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો

રાજકોટ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

-2014માં કોંગ્રેસના કુંવરજી બાવળિયાને 2 લાખ 46 હજાર કરતા વધુ મતોથી હરાવી મોહનભાઈ કુંડારિયા જીત્યા હતા. અને બેઠક ભાજપના ફાળે ગઈ હતી. જો કે હવે કુંવરજી બાવળિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને હાલ જસદણથી ધારાસભ્ય છે.

-2009માં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં ભાજપના કિરણકુમાર પટેલને 24, 692 મતોથી હરાવી કુંવરજી બાવળિયા વિજેતા બન્યા હતા.

-2004માં આ બેઠક ભાજપને મળી હતી. 1996થી સતત સાંસદ રહેલા વલ્લભભાઈ કથીરિયાએ NCPના બચુભાઈ મણવરને હરાવ્યા હતા.

જાણો રાજકોટના સાંસદને
રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા છે. જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. 1983માં તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ ટંકારા વિધાનસભા બેઠકથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

2014 લોકસભા ચૂંટણીમાં તેમને 2009ના વિજેતા અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાની સામે ઉભા રાખવામાં આવ્યા. અને તેઓ જીતી ગયા. જીત્યા બાદ તેમને કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

લોકસભા માટે ઉમેદવારી કરતા સમયે કુંડારિયા

મોહન કુંડારિયા સૌરાષ્ટ્રના પાટીદાર નેતા છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને વેપાર છે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: જાણો સુરેન્દ્રનગર લોકસભા બેઠકને

2019ના ઉમેદવાર કોણ?

2019ના જંગ માટે ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ ટંકારા-પડધરીથી ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે.

Gujarat BJP gujarat Loksabha 2019