મોદીને ભ્રષ્ટાચારના મામલે બાબાની ક્લીન-ચિટ

30 July, 2012 03:47 AM IST  | 

મોદીને ભ્રષ્ટાચારના મામલે બાબાની ક્લીન-ચિટ

અમદાવાદ : સમાજમાં પોતાનાં કાર્યોથી વિશિષ્ટ સિદ્ધિ હાસંલ કરનાર મહાનુભાવો-સંસ્થાઓને તરુણક્રાન્તિ મંચ, દિલ્હી દ્વારા તરુણક્રાન્તિ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. ગઈ કાલે ક્રાન્તિકારી રાષ્ટ્રસંત મુનિશ્રી તરુણસાગરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલા તરુણક્રાન્તિ પુરસ્કારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે નૅશનલ આઇકન તરીકે યોગગુરુ બાબા રામદેવજી, ‘લોકમત’ સમાચાર-સમૂહના ચૅરમૅન વિજય દરડા અને સમાજસેવા માટે જાણીતી જીતો સંસ્થાને તરુણક્રાન્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પોતાનાં કડવાં પ્રવચનોથી દેશ અને દુનિયામાં જાણીતા બનેલા ક્રાન્તિકારી રાષ્ટ્રસંત મુનિશ્રી તરુણસાગરજી મ.સા.એ ગઈ કાલે અમદાવાદમાં યોજાયેલા તરુણક્રાન્તિ પુરસ્કાર સમારોહમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સરકારના શાસનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ગુજરાત જેવો વિકાસ મને બીજા કોઈ રાજ્યમાં જોવા મળ્યો નથી અને એનું શ્રેય મોદીજી અને તેમની સરકારને જાય છે.

આ કાર્યક્રમમાં તરુણક્રાન્તિ પુરસ્કારથી સન્માનિત યોગગુરુ બાબા રામદેવે ભ્રષ્ટાચારના મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન-ચિટ આપતાં કહ્યું હતું કે ગુજરાત મેં કુછ ગલત હોતા તો નરેન્દ્રભાઈ મોદી યહાં નહીં જેલ મેં હોતે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે થઈ રહેલા આક્ષેપો અને શનિવારે બાબા રામદેવજીની અમદાવાદમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોએ ગુજરાત સરકારમાં જમીનના ગોટાળા-કૌભાંડ બાબતે યોગગુરુ સામે અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો એ યાદ કરીને યોગગુરુએ ઉપરોક્ત વિધાન કર્યું હતું. જોકે બાબા રામદેવની આ ક્લીન-ચિટને કારણે તેમને પોતાની ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં ભાગીદાર બનાવનાર ટીમ અણ્ણાના સભ્યો ભારે અપસેટ થયા છે. ટીમ અણ્ણાના સભ્ય સંજય સિંહે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી તો માનવતાના હત્યારા છે અને તેમને નિર્દોષ ગણાવવા બદલ યોગગુરુએ સ્પષ્ટતા આપવી પડશે. અમે ક્યારેય નરેન્દ્ર મોદીના પક્ષમાં નહોતા. અણ્ણા પોતે નરેન્દ્ર મોદી વિશે પોતાનો સ્પષ્ટ મત આપી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં જ લોકાયુક્તની નિમણૂકનો ભારે વિરોધ કર્યો છે તો પછી તેઓ કઈ રીતે એવો દાવો કરી શકે છે કે તેઓ ભ્રષ્ટાચારવિરોધી છે.’

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જ્યારે-જ્યારે માનવજાત સંકટમાં આવી છે ત્યારે-ત્યારે સંતોએ માર્ગદર્શન આપ્યું છે. મુનિશ્રી તરુણસાગરજી મ.સા. અને યોગગુરુ બાબા રામદેવજીને હું આદર સાથે વંદન કરું છું કે તેમણે આ જ્યોતને પ્રજ્વલિત રાખી છે.’

આ તબક્કે નરેન્દ્ર મોદીએ હળવી પળોમાં કહ્યું હતું કે ‘મને ત્રણ મહાનુભાવોનું સન્માન કરવાનો અવસર મળ્યો એ માટે મુનિશ્રી તરુણસાગરજીનો આભારી છું કે મને સારા પોસ્ટમૅનના રૂપમાં પસંદ કર્યા અને મહાનુભાવોને પુરસ્કારરૂપી ડાક પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું. હકીકતમાં વિશ્વે જૈનીઝમ અને હિન્દુત્વને જાણ્યો હોત તો દુનિયામાં ગ્લોબલ વૉર્મિંગનું સંકટ ન આવ્યું હોત. જૈન પરંપરાએ દેશને ઘણું બધું આપ્યું છે.’