ગુજરાત ગાદીયુદ્ધ : એક રિક્ષાવાળો પણ પડ્યો નરેન્દ્ર મોદી સામે

01 December, 2012 07:03 AM IST  | 

ગુજરાત ગાદીયુદ્ધ : એક રિક્ષાવાળો પણ પડ્યો નરેન્દ્ર મોદી સામે




(શૈલેશ નાયક)

મુંબઈ, તા. ૧

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે એક એજ્યુકેટેડ મહિલા સામે સીધો ચૂંટણીજંગ ખેલવો પડશે. ગુજરાતના આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે ગઈ કાલે મણિનગરની બેઠક પરથી કૉન્ગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યું છે. ‘મિડ-ડે’ને તેમણે કહ્યું હતું કે આ માણસ (નરેન્દ્ર મોદી) સિસ્ટમને કોરી ખાશે, બધાએ જાગ્રત થવાની જરૂર છે.

એલએલબી સુધીનો અભ્યાસ કરનાર ૪૮ વર્ષનાં શ્વેતા ભટ્ટને જ્યારે ‘મિડ-ડે’એ પૂછ્યું કે બીજા કોઈની સામે નહીં અને નરેન્દ્ર મોદી સામે જ કેમ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો? જવાબમાં તેમણે કહ્યું કે ‘મારે તેમની સામે જ ચૂંટણી લડવી હતી. તેઓ જ્યાંથી ઊભા રહ્યા હોય ત્યાંથી મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં ગુજરાતમાં એટલી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને પ્રશ્નો ઊભા થયા છે કે દરેક વસ્તુ જુઠ્ઠાણાંબેઝ પર ચાલે છે. બાળકો ગુમ થઈ જાય, તમે સવારે મૉર્નિંગ-વૉકમાં નીકળો તો ચેઇન લૂંટાય, પોલીસ સરખા જવાબ ન આપે. સદ્ભાવના ઉપવાસમાં મોટા-મોટા ખર્ચા થાય છે, પણ ગુમ થયેલાં બાળકોના વાલીઓને નરેન્દ્ર મોદી મળ્યા?’

તેમણે આક્રોશપૂર્ણ કહ્યું હતું કે ‘બીઆરટીએસ અને ૧૦૮ સર્વિસ કેન્દ્રની છે. સગવડ આપો છો એમાં ધાડ નથી મારતા. લોકો ટૅક્સ ભરે છે એટલે તમે સર્વિસ આપો છો. મેં જ્યારે સંજીવ માટે લડત શરૂ કરી ત્યારે મને ખબર પડી કે દરેક માણસ તકલીફમાં હોય છે. લોકોમાં અસલામતીની ભાવના છે. એકની ઇચ્છાથી ગુજરાત ન ચાલે, નરેન્દ્ર મોદી સિસ્ટમને કોરી ખાશે, બધાએ જાગ્રત થવાની જરૂર છે. હું જીતી જાઉં એવું કશું નથી, પણ બધા વતી હું બોલી રહી છું એટલે મને સાથ આપો.’

અન્યાય સામે ન્યાયની લડત માટે તમે કૉન્ગ્રેસ જ કેમ જૉઇન કર્યું એના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ‘આમ તો અપક્ષ તરીકે પણ ઊભી રહેત, પણ કૉન્ગ્રેસે ઑફર કરી એ સ્વીકારી લીધી. મને ક્યારની ઑફર કરી હતી, પણ હું વિચાર કરતી હતી.’

આપ કયા મુદ્દાઓ સાથે મતદારો પાસે જશો એના ઉત્તરમાં શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે ‘ખોટાં પ્રૉમિસ નહીં આપું. જેને તકલીફ હશે તેની તકલીફ ચોક્કસ સૉલ્વ કરીશ. જ્યાં તકલીફ હશે ત્યાં હું જઈશ. મારો કોઈ એજન્ડા નથી. મારી પાસે સચ્ચાઈ સિવાઈ કાંઈ નથી અને એ હું મારા હસબન્ડ પાસેથી શીખી છું. અન્યાય સામે ન્યાયની આ લડત છે. હું બોલું તો કોઈ બોલવા આગળ આવશે. લોકો જાગ્રત થાય, લોકો બોલે એવી મારી ઇચ્છા છે અને એમાં હું પહેલ કરું છું.

તમારા પતિને ન્યાય અપાવવા રાજકારણમાં આવ્યા એના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ‘સંજીવ સક્ષમ છે. તેની ફાઇટ અલગ છે. હું જીતું કે હારું એનાથી તેમને કોઈ ફરક નથી પડવાનો.’

મોદી સામે આવ્યા હોત તો તેમને વિશ કર્યું હોત

શ્વેતા ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જો ફૉર્મ ભરવા આવતી વખતે નરેન્દ્ર મોદી સામે આવ્યા હોત તો મેં તેમને વિશ કર્યું હોત. મણિનગરની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરવા નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલાં શ્વેતા ભટ્ટ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ઉમેદવારીપત્રક ભરવા આવી પહોંચ્યાં હતાં અને ફૉર્મ ભરીને નીકળી ગયા બાદ નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્રક ભરવા આવ્યા હતા.

શ્વેતા ભટ્ટ પાસે ૯૦ તોલા સોનાનાં ઘરેણાં છે

મહિલાઓને સોનાના દાગીના સાથે ખાસ લગાવ હોય છે ત્યારે ગઈ કાલે મણિનગરની બેઠક પરથી કૉન્ગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૉર્મ ભરનારાં શ્વેતા ભટ્ટે પણ આશરે ૨૭,૦૦,૦૦૦ના મૂલ્યનાં ૯૦ તોલા સોનાનાં ઘરેણાં હોવાનું ઍફિડેવિટમાં જાહેર કર્યું છે.

નેટક્રાફટ સાઇબરસિસ પ્રા. લિ.નાં મૅનેજિંગ ડિરેક્ટર શ્વેતા ભટ્ટે ૨,૧૦,૦૦,૦૦૦ રૂપિયાની સ્વપાર્જિત અસ્ક્યામતો બતાવી છે. તેઓ પાસે એક કાર છે અને હાથ પર ૧,૧૦,૦૦૦ રૂપિયા છે.

રિક્ષાવાળો પણ મોદી સામે

બાપુનગરનો રહેવાસી ૪૮ વર્ષનો રિક્ષાચાલક પરેશ શુક્લ અપક્ષ ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને પડકારશે. શુક્લએ મિલકતમાં ૩૦,૦૦૦ રૂપિયાની રોકડ જાહેર કરી છે અને પોતે એસએસસી ફેલ છે.

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ, બીઆરટીએસ = બસ રોડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, એલએલબી = બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ, એસએસસી = સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ