મોદીની શપથવિધિ ૨૫ ડિસેમ્બરે અટલજીના જન્મદિવસે?

19 December, 2012 03:15 AM IST  | 

મોદીની શપથવિધિ ૨૫ ડિસેમ્બરે અટલજીના જન્મદિવસે?



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૧૯

ગઈ કાલે મુખ્ય પ્રધાન આખો દિવસ ગાંધીનગરના તેમના બંગલે રહ્યા હતા, જ્યાં તેમણે અલગ-અલગ નેતાઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં શપથવિધિના જલસાથી માંડીને શપથવિધિના દિવસ વિશે ચર્ચા થઈ હતી. ગુજરાતમાં બીજેપીની સરકાર આવશે તો આ નવી સરકાર અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ ડિસેમ્બરે એટલે કે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે શપથ લે એવી પૂરી શક્યતા છે.

પ્રધાનમંડળ પણ નક્કી થયું


ગુજરાત બીજેપીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા પછી ગઈ કાલે નરેન્દ્ર મોદી આખો દિવસ નવા પ્રધાનમંડળની ચર્ચામાં વ્યસ્ત રહ્યા હતા. તેમણે નવું પ્રધાનમંડળ તૈયાર કરી લીધું છે. આ નવું પ્રધાનમંડળ પણ અગાઉના પ્રધાનમંડળની જેમ જ નાનું હશે અને મહત્વનાં ખાતાંઓ મુખ્ય પ્રધાન પોતાના હાથમાં રાખે એવી શક્યતા છે.’

આવતી કાલે બપોરે એક વાગ્યા સુધીમાં ગુજરાતની મોટા ભાગની બેઠકોનાં પરિણામ જાહેર થઈ જાય એવા ચાન્સિસ હોવાથી ગુજરાતના મુખ્ય પ્રધાને તમામ ઉમેદવારોને એવી સૂચના પણ મોકલી દીધી છે કે અલગ-અલગ વિજય સરઘસ કાઢવાને બદલે જેતે જિલ્લાના ઉમેદવારોએ એકસાથે વિજય સરઘસ કાઢવું, જેથી લોકોને વધુ હેરાનગતિ ન થાય.

વૉટ અ કૉન્ફિડન્સ

ગઈ કાલે મુખ્ય પ્રધાનના બંગલે થયેલી મીટિંગમાં જ્યારે એક સેકન્ડ માટે એવી ચર્ચા થઈ કે ગુજરાતમાં બીજેપીને કેટલી બેઠક મળશે ત્યારે નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે ‘બેઠક જેટલી પણ મળે એનાથી કોઈ ફરક નથી પડતો, પણ ગુજરાતમાં બીજેપીની સરકાર આવે છે એ કન્ફર્મ છે અને એટલે બેઠક વિશે કે કોણ જીતે છે અને કોણ હારે છે એ વિશે ગુરુવાર બપોર પહેલાં કોઈએ ચર્ચા કરવાની નથી.’

ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળ માટે જે યાદી બનાવવામાં આવી છે એ યાદીમાં દરેક ખાતા માટે પ્રધાનનાં બબ્બે નામ લખવામાં આવ્યાં છે, જેથી જો કોઈ એક ઉમેદવાર હારે તો બીજાને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે માત્ર નરેન્દ્ર મોદી સિવાય બીજા કોઈનું નામ લખવામાં નથી આવ્યું.

ગુજરાતમાં કુલ ૭૧.૩૨ ટકા વોટિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બન્ને તબક્કામાં થઈને અભૂતપૂર્વ ૭૧.૩૨ ટકા મતદાન થયું છે, જ્યારે અમદાવાદ જિલ્લાની ૨૧ બેઠકો ઉપર કુલ ૬૮.૫૪ ટકા મતદાન થયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં ૮૨.૨૧ ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં ૬૬.૩૯ ટકા થયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે એ અમદાવાદની મણિનગર બેઠક ઉપર ૬૯.૪૪ ટકા મતદાન થયું હતું, જેમાં ૭૧.૦૨ ટકા પુરુષ મતદારોએ અને ૬૭.૭૨ ટકા મહિલા મતદારોએ વોટિંગ કર્યું હતું.

આ ચૂંટણીમાં મહિલાઓએ મતદાન કરવામાં ભારે ઉત્સાહ દાખવ્યો છે અને બીજા તબક્કાના મતદાનમાં ૭૦.૦૧ ટકા મહિલા મતદારોએ વોટ આપ્યો હતો. ગુજરાતનાં મુખ્ય ચૂંટણી-અધિકારી અનીતા કરવલે કહ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની ૯૫ બેઠકો માટે ૭૧.૮૫ ટકા મતદાન થયું છે, જેમાં  ૭૩.૫૫ ટકા પુરુષ મતદારોએ અને ૭૦.૦૧ ટકા મતદાન મહિલા મતદારોએ કર્યું હતું. જ્યારે અન્ય ૭૯ મતદારો પૈકી ૧૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.’