ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડતાં ખેડૂતોમાં ભય ફેલાયો

05 March, 2023 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરવલ્લી, ધારી, સુરેન્દ્રનગર, સાવરકુંડલા, દાંતા, અંબાજી પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ભારે પવન સાથે પડ્યો વરસાદ: ડાંગના આહવામાં ડાંગ દરબાર લોકમેળા દરમ્યાન જ વરસાદ પડતાં બજારમાં થઈ દોડાદોડી

ડાંગ જિલ્લાના આહવા ખાતે ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો.

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં માવઠું થયું છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગઈ કાલે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી, દાંતા પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો હતો તો અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ધારી, સુરેન્દ્રનગર, સાવરકુંડલા પંથકમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આહવા ખાતે શુક્રવારથી ડાંગ દરબારનો ભાતીગળ લોકમેળો શરૂ થયો છે ત્યારે ગઈ કાલે આહવામાં બપોરે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને લોકો કંઈ સમજે એ પહેલાં કમોસમી વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.

કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. માવઠાને પગલે ચણા, ઘઉં સહિતના ઊભા પાકોને નુકસાન થવાની ભીતિ છે. એટલુ જ નહીં, ગીર પંથક નજીકનાં ગામોમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની દહેશત ઊભી થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આઠમી માર્ચ સુધી વરસાદની શક્યતા

રાજસ્થાન તેમ જ મોટા ભાગના પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ હિમાલય પ્રદેશમાં આજે છુટોછવાયો વરસાદ અને બરફ પડશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આઠમી માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

gujarat gujarat news