આસારામ બાપુનું હેલિકૉપ્ટર થઈ ગયું ક્રેશ

30 August, 2012 03:01 AM IST  | 

આસારામ બાપુનું હેલિકૉપ્ટર થઈ ગયું ક્રેશ

મોરબીથી હેલિકૉપ્ટરમાં ગોધરા જઈ રહેલા આસારામબાપુનું હેલિકૉપ્ટર ગઈ કાલે અચાનક ક્રૅશ થતાં તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ગોધરામાં આસારામબાપુનું હેલિકૉપ્ટર નીચે ઊતરી રહ્યું હતું એ દરમ્યાન હેલિકૉપ્ટર જમીનથી વીસેક ફૂટ ઊંચું હતું ત્યારે જ અચાનક હેલિકૉપ્ટરનો પાછળનો ભાગ જમીનને અડી જતાં તૂટીને નીચે પડ્યો હતો.

હેલિકૉપ્ટર કાબૂ બહાર જતાં સમયસૂચકતા વાપરીને તરત જ આસારામબાપુ અને તેમની સાથે રહેલા બે અનુયાયીઓએ છલાંગ મારી દીધી હતી. આસારામબાપુના સત્સંગી ઉદય મહેતાએ કહ્યું હતું કે ‘બધાને સામાન્ય ઈજા થઈ છે. ચિંતાજનક કાંઈ નથી.’

ગઈ કાલે બપોરે બે વાગ્યે આસારામબાપુ મોરબીથી હેલિકૉપ્ટરમાં રવાના થયા ત્યારે જ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી હતી, પણ એ ખામીને દરગુજર કરવામાં આવી હતી. ગઈ કાલે સાંજથી ગોધરામાં આસારામબાપુની સત્સંગસભા શરૂ થવાની હતી, જે શરૂ થાય એ પહેલાં ૪.૪૦ વાગ્યે હેલિકૉપ્ટર ક્રૅશ થતાં સત્સંગ રદ કરવામાં આવ્યો હતો. આજે સત્સંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.