રણની રેતીમાં લૅન્ડ-યૉટિંગ

07 January, 2016 06:26 AM IST  | 

રણની રેતીમાં લૅન્ડ-યૉટિંગ




ઉત્સવ વૈદ્ય


૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની જીતની ઉજવણીના ભાગરૂપે અને મિલિટરી ર્ફોસમાં સાહસિકતા બરકરાર રહે એ માટે કચ્છના રણમાં વધુ એક વખત લૅન્ડ-યૉટિંગ એક્સપિડિશનનો મંગળવારે પ્રારંભ થયો હતો. ખાવડા નજીક આવેલા કુંવરબેટના રણમાં આર્મીની ૬૧૭ બ્રિગેડની ૪૯મી રેજિમેન્ટ દ્વારા ત્રણ પૈડાં પર પવનની ગતિએ ચાલતી સઢવાળી છ નૌકા (બ્લોકાર્ટ)ને રણમાર્ગે રવાના કરવામાં આવી હતી એ વખતે આર્મીની સાહસિકતામાં વૃદ્ધિ કરવા આવા આયોજન થતાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાનની કચ્છને જોડતી સરહદ નજીક ઇન્ડિયા બ્રિજ પાસેના કુંવરબેટ પાસેના અફાટ રણમાં ભારતીય સેનાના વડોદરાસ્થિત ૬૧૭ સ્વતંત્ર બ્રિગેડના કમાન્ડર રાજીવ શ્રીવાસ્તવે આકરી કસોટીમાંથી પાર ઊતરેલા ૧૦ જવાનની ૨૫૦ કિલોમીટરની ડેઝર્ટ લૅન્ડ-યૉટિંગ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

ત્રણ પૈડાંવાળી નૌકાયાન અને ઍડ્વેન્ચર વિશે વાત કરતાં ટીમ-લીડર મેજર ટી. કે. શર્માએ જણાવ્યું હતું કે કુંવરબેટથી નીકળીને ૧૩ દિવસ સુધી રણમાં ફરીને પરત અહીં આવનારા આ યૉટિંગ માટે આઠ ચેક-પૉઇન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, ધોરડો અને એની આસપાસના રણવિસ્તારમાં આ યાત્રા પસાર થશે. નિશ્ચિત સ્થળ સુધી કોઈ પણ સંજોગોમાં પહોંચવાનું રહેશે.

બ્લોકાર્ટના સેકન્ડ ઇન્ચાર્જ નાયબ સૂબેદાર રાજકુમારે કહ્યું હતું કે ‘એશિયામાં માત્ર ભારતમાં અને એમાં પણ કચ્છના રણમાં જ આવું એક્સપિડિશન કરવામાં આવે છે. બ્રેક, એન્જિન વિનાની નૌકાઓવાળી આ સાહસિકતામાં જુદી-જુદી રેજિમેન્ટના જવાનો જોડાયા છે. રેતી, બરફવાળાં ક્ષેત્રોમાં આવાં એક્સપિડિશન થતાં હોય છે. કચ્છનું રણ એકમાત્ર સ્થળ છે જ્યાં રેતી પર આવી સાહસયાત્રા કરી શકાય છે. જો પવનની ગતિ યોગ્ય હોય તો એક કલાકમાં ૯૦ કિલોમીટરનું અંતર કાપી શકાય છે. અત્યાર સુધી એનો ૨૧૦ કિલોમીટરનો રેકૉર્ડ છે.’