અનિલ અંબાણી મોટા ભાઈને બૉસ કહે છે, સોમનાથમાં અઢી કરોડ રૂપિયા દાનમાં આપ્યા

29 December, 2011 03:12 AM IST  | 

અનિલ અંબાણી મોટા ભાઈને બૉસ કહે છે, સોમનાથમાં અઢી કરોડ રૂપિયા દાનમાં આપ્યા



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૯

જોકે ગઈ કાલે સવારથી બન્ને ભાઈઓ પોતપોતાના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયા હતા. વહેલી સવારે મોટા ભાઈ મુકેશ અંબાણી ચોરવાડમાં ચક્કર મારવા નીકળી પડ્યા હતા અને ધીરુભાઈ અંબાણીના કેટલાક જૂના મિત્રોને મળ્યા હતા. મોટા ભાઈ બાપુજીના ભાઈબંધોને મળી રહ્યા હતા ત્યારે અનિલ અંબાણી તેમની બહેન સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે સવારે પોણાઆઠ વાગ્યે હેલિકૉપ્ટરમાં સોમનાથગયા હતા. સોમનાથમાં બન્નેએ પૂજા-અર્ચના કરી હતી. જોકે ત્યાર બાદ બન્ને ભાઈઓ પોતપોતાની ફૅમિલી સાથે ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.

ભાગવતકાર ભાઈશ્રી રમેશ ઓઝાએ સ્મૃતિ ભવનનું શાસ્ત્રોક્ત વિધિથી સવારે સાડાનવ વાગ્યે ઉદ્ઘાટન કર્યું હતું.

જોકે અત્યારના તબક્કે આ સ્મૃતિ ભવન માત્ર પરિવારના સભ્યો માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જાહેર જનતા અને વિદ્યાર્થીઓ માટે સ્મૃતિ ભવન ૧૬ જાન્યુઆરીથી ખુલ્લું મૂકવામાં આવશે.

કોકિલાબહેન સિવાય સૌ ગયા

ગઈ કાલના કાર્યક્રમ પછી અંબાણીપરિવાર ફરીથી વિખેરાઈ ગયો હતો અને સૌકોઈ પોતપોતાની રીતે રવાના થયા હતા. મુકેશ અંબાણીની ફૅમિલી જામનગર રિફાઇનરી ગઈ હતી અને ત્યાંથી આજે સવારે મુંબઈ આવવા માટે નીકળશે, જ્યારે અનિલ અંબાણી અને તેમની બહેનો દીપ્તિ અને નીના ગઈ કાલે સાંજે ચાર વાગ્યા પછી મુંબઈ આવવા રવાના થયાં હતાં. જોકે કોકિલાબહેન હજી ચોરવાડમાં રોકાયાં છે. જૂના સંબંધીઓ સાથે એકાદ દિવસ રહ્યા પછી તેઓ મુંબઈ આવશે.

મિડિયાથી દૂર રહ્યા

ધીરુભાઈ અંબાણીના ૮૦મા જન્મદિવસે ચોરવાડ આવેલા બન્ને ભાઈઓ સંયુક્તપણે મિડિયા સાથે વાર્તાલાપ કરે એવું કહેવાતું હતું, પણ બન્ને ભાઈઓ છેલ્લે સુધી મિડિયાથી દૂર જ રહ્યા હતા અને તેમણે મિડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

પપ્પાની સ્મૃતિમાં

ધીરુભાઈ અંબાણીની સ્મૃતિમાં દીકરા અનિલ અંબાણીએ સોમનાથ મહાદેવના મંદિરે અઢી કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજય રાવલે દાનની આ રકમની પુષ્ટિ કરી હતી.