અમિતાભ બચ્ચન પહેલી વાર કચ્છના રણ મહોત્સવમાં જશે

28 December, 2012 03:54 AM IST  | 

અમિતાભ બચ્ચન પહેલી વાર કચ્છના રણ મહોત્સવમાં જશે



મોદી પણ સાથે હશે

૧૧ જાન્યુઆરીએ ધોરડોના સફેદ રણમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી આ કાઇટ ફેસ્ટિવલ દરમ્યાન સફેદ રણમાં પતંગ પણ ચગાવશે. ગુજરાત ટૂરિઝમના કચ્છના અધિકારી બી. કે. હૂંબલે કહ્યું હતું કે ‘અત્યારે અમને આ બન્ને મહાનુભવોના સ્ટાફ પાસેથી આવવા માટે કન્ફર્મેશન મળ્યું છે, પણ હજી તૈયારી કરવાનો આદેશ મળ્યો નથી.’

અમિતાભ બચ્ચન છેલ્લાં ત્રણ વર્ષથી સતત ગુજરાત અને કચ્છને પ્રમોટ કરી રહ્યા છે, પણ આ પ્રમોશન પછી એવું ક્યારેય બન્યું નથી કે તેમણે કચ્છના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય. જો આ વખતે રણ મહોત્સવમાં આવશે તો એ તેમની પહેલી વિઝિટ હશે.

હવે કેમ આવશે બિગ બી?


નરેન્દ્ર મોદી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા ગુજરાતના બ્રૅન્ડ-ઍમ્બેસેડર અમિતાભ બચ્ચન મોદીની પાર્ટી માટે પ્રમોશન કરવા કે પછી મોદીની શપથવિધિમાં આવ્યા નહોતા. જો સાચું માનીએ તો અમિતાભ બચ્ચનને આ બન્ને કામ માટે નરેન્દ્ર મોદીએ એક પણ વાર કહેવડાવ્યું નથી. હકીકત એ છે કે નરેન્દ્ર મોદીને ખબર છે કે બિગ બી રાજકારણથી જોજનો દૂર રહેવા માગે છે અને મોદી ક્યાંય પોતાના અંગત સંબંધોના દાવે બચ્ચનને શરમાવવા નહોતા માગતા એટલે જ તેમણે અમિતાભ બચ્ચનને પ્રચાર કે શપથવિધિમાં હાજર રહેવા માટે એક પણ વાર કહ્યું નથી. બીજેપી સાથે સંકળાયેલા એક નેતાએ કહ્યું હતું કે ‘શપથવિધિ વખતે પણ નરેન્દ્ર મોદીએ બિગ બીને એક એસએમએસ કરીને પણ ફૉર્માલિટી નહોતી કરી. જ્યાં પૉલિટિક્સની વાત આવે ત્યાંથી મને દૂર રાખવો એવું બચ્ચને શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીને કહી દીધું હતું, જેને હવે તે બન્ને ચુસ્તપણે પાળી રહ્યા છે.’

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી બન્ને કચ્છના ધોરડોના રણ મહોત્સવમાં પણ હવે સાથે રહેવાના છે.