હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં

05 September, 2012 02:49 AM IST  | 

હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં

સીબીઆઇએ ગઈ કાલે બહુચર્ચિત તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટમાં ગુનાની સંડોવણીમાં ગુજરાતના ભૂતપૂર્વ હોમ-મિનિસ્ટર અમિત શાહના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ આ ચાર્જશીટમાં તેમની સાથોસાથ ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ ઑફ પોલીસ પી. સી. પાંડે, આઇપીએસ અધિકારીઓ ઓ. પી. માથુર અને ગીતા જોહરી તેમ જ નાયબ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આર. કે. પટેલનો પણ સમાવેશ કર્યો છે. તુલસી પ્રજાપતિનું ગુજરાત પોલીસ ૨૮ ડિસેમ્બર, ૨૦૦૫ના દિવસે બનાસકાંઠાના છપરી ગામમાં નકલી એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

ગુજરાત પોલીસે ૨૦૦૫ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખનું જે નકલી એન્કાઉન્ટર કર્યું હતું એનો તુલસી પ્રજાપતિ વિટનેસ હતો. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે ગુજરાત અને આંધþ પ્રદેશની પોલીસ-ટીમે જૉઇન્ટ ઑપરેશનમાં ૨૦૦૫ની ૨૨ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીથી હૈદરાબાદ જતી બસમાંથી સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી તેમ જ અન્ય વ્યક્તિ જે તુલસી પ્રજાપતિ હોવાની શંકા છે તેને ઉપાડીને પછી તેમનું નકલી એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ