અંબાજીમાં ભાદરવી પૂનમના બીજે દિવસે પણ ભક્તોનું પૂર ઊમટ્યું

26 September, 2012 04:57 AM IST  | 

અંબાજીમાં ભાદરવી પૂનમના બીજે દિવસે પણ ભક્તોનું પૂર ઊમટ્યું



અંબાજીમાં જગતજનની આદ્યશક્તિનાં દર્શન માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓએ અંબાજીની વાટ પકડતાં માર્ગો પર શ્રદ્ધાળુઓનાં ઘોડાપૂર આવ્યાં હતાં. ભાદરવી પૂનમના મહામેળામાં બીજા દિવસે પણ અંબાજીમાં લાખો ભાવિકો ઊમટ્યાં હતા.

અંબાજી મંદિરના મિડિયા સેલ ઇન્ચાર્જ વૈભવ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ભાદરવી પૂનમના બીજા દિવસે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ૧,૦૬,૯૦૦ જેટલા ભાવિકોએ નિજ મંદિરમાં દર્શન કર્યા હતાં. સાંજે પાંચ વાગ્યા પછી પણ મંદિરમાં દર્શન કરવા માટે ભાવિકોનો ધસારો સતત રહ્યો હતો. એ પછી રાત્રે દોઢ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવતાં ભક્તોમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઈ હતી.

અંબાજી તરફ જતા ખેડબ્રહ્મા-ઈડર હાઇવે, ખેરાળુ-દાંતા હાઇવે, આબુ-અંબાજી હાઇવે, પાલનપુર-વિરમપુર માર્ગ સહિત અંબાજી તરફ આવતા તમામ હાઇવે પર ભાવિકોનો ટ્રાફિક જૅમ સર્જાયો હતો. ગઈ કાલે મંદિરમાં ભંડારામાં, માતાજીની ગાદી ઉપર તેમ જ ભેટ-કેન્દ્રો પર મળીને કુલ ૨૧ લાખ રૂપિયાથી વધુની આવક થઈ હતી.