અખિલેશે કાર પલટી ખાઈ જશે એવી ભવિષ્યવાણી કેમ કરી?

27 March, 2023 10:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનનારા અતિક અહમદને પોલીસ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાયો ત્યારે સમાજવાદી પાર્ટીના વડાએ ગૅન્ગસ્ટર વિકાસ દુબેની ઘટનાને કારણે આવી ‘ભવિષ્યવાણી’ કરી હતી

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર ગૅન્ગસ્ટર અતિક અહમદ સાથે પ્રયાગરાજની પોલીસ.

ઉત્તર પ્રદેશની એક પોલીસ ટીમ ગઈ કાલે અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં પહોંચી હતી અને ત્યાંથી ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બનનારા અતિક અહમદને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. અતિકને ૨૮મી માર્ચે પ્રયાગરાજની અદાલતમાં રજૂ કરવામાં આવશે. આ અદાલતમાં કિડનૅપિંગના એક કેસમાં આદેશ આપવામાં આવશે કે જેમાં અતિક એક આરોપી છે. 

યુપી પોલીસની ટીમ ગઈ કાલે સવારે સાબરમતી જેલમાં પહોંચી હતી અને તમામ જરૂરી ઔપચારિકતા પૂરી કર્યા બાદ સાંજે છ વાગ્યે એક પોલીસવૅનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે અતિકને લઈને રવાના થઈ હતી.  

સમાજવાદી પાર્ટીનો ભૂતપૂર્વ સંસદસભ્ય અહમદ જૂન ૨૦૧૯થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેને ઉત્તર પ્રદેશથી ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

પ્રયાગરાજના પોલીસકમિશનર રમિત શર્માએ કહ્યું હતું કે ‘પ્રયાગરાજમાં અદાલતે કિડનૅપિંગના એક કેસમાં આદેશ આપવા માટે ૨૮મી માર્ચની તારીખ નક્કી કરી છે, જેમાં અહમદ એક આરોપી છે.’

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતાને ન મળ્યો ન્યાય,તપાસના નામે બોલાવી પોલીસકર્મી કરતો રહ્યો દુષ્કર્મ

દરમ્યાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગઈ કાલે શંકા વ્યક્ત કરી હતી કે અહમદને પ્રયાગરાજમાં લઈ જતી વખતે તેની હત્યા કરવામાં આવી શકે છે. 

યુપીના પ્રધાન જે. પી. એસ. રાઠોડે આ પહેલાં જણાવ્યું હતું કે અહમદને સાબરમતી જેલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યારે તૈયાર રહો. જેના વિશે અખિલેશે કહ્યું હતું કે ‘સીએમ (યોગી આદિત્યનાથ)એ ચોક્કસ જ તેમને (રાઠોડને) આ પહેલાં કહ્યું હશે કે ક્યાં અને કેવી રીતે કાર પલટાઈ જશે. જો તમે ગૂગલ અને અમેરિકાની મદદ લો તો તેઓ બતાવશે કે કેવી રીતે અને ક્યારે કાર પલટી ખાઈ ગઈ હતી.’

અખિલેશ યાદવે વાસ્તવમાં ગૅન્ગસ્ટર વિકાસ દુબેને પોલીસ દ્વારા ઉજ્જૈનથી કાનપુરમાં લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેના એન્કાઉન્ટરના સંબંધમાં આ વાત કહી હતી. 
અમહદની સામે ૧૦૦થી વધારે ક્રિમિનલ કેસ છે, જેમાંથી સૌથી સનસનીખેજ કેસ બહુજન સમાજ પાર્ટીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યાનો છે. 

gujarat news uttar pradesh akhilesh yadav Crime News