ઐશ્વર્યાને લાગે છે ગુજરાત વતન જેવું

10 December, 2012 05:26 AM IST  | 

ઐશ્વર્યાને લાગે છે ગુજરાત વતન જેવું




એક જ્વેલરી શૉપના ઓપનિંગ માટે ગઈ કાલે વડોદરા આવેલી ઐશ્વર્યા રાય બચ્ચનને જ્યારે ગુજરાત અને ગુજરાતના પ્રોગ્રેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે નરેન્દ્ર મોદીને સેલ્યુટ કરતાં કહ્યું હતું કે ‘બહુ સારો પ્રોગ્રેસ કર્યો છે ગુજરાતે. જો આ પ્રોગ્રેસ આમ જ ચાલતો રહેશે તો ગુજરાત દેશ આખામાં સૌથી સરસ સ્ટેટ બની જશે. આજે મને લાગી રહ્યું છે જાણે હું મારા વતનમાં આવી છું. મારા ફાધર-ઇન-લો આ સ્ટેટના ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બેસેડર છે એટલે મને આવું ફીલ થતું હોય તો એમાં કાંઈ ખોટું નથી.’

ઐશ્વર્યા રાયને જોવા માટે ગઈ કાલે આખું વડોદરા ગાંડું થયું હતું અને અલકાપુરી વિસ્તારમાં આવેલા જ્વેલરીના શોરૂમ પર લોકો ઊમટી પડ્યા હતા. કેટલાક એવા પણ લોકો હતા જેમને ઐશ્વર્યા રાયને જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો પણ તેમને તેમના ફેવરિટ હીરો અમિતાભ બચ્ચનની વહુ કેવી દેખાય છે એ જોવું હતું. ઐશ્વર્યા રાય સવારે ૧૧ વાગ્યે વડોદરા પહોંચી હતી, પણ તેને જોવા માટે લોકો સવારે ૭ વાગ્યાથી ગોઠવાઈ ગયા હતા. પૂરતો પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવા છતાં ઍશને જોવા આવનારા લોકો દ્વારા ધક્કામુક્કી શરૂ થતાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે વડોદરા પોલીસે નાછૂટકે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં ૧૪ લોકોને સામાન્ય ઈજા થઈ હતી.

ઐશ્વર્યા રાયે ઇલેક્શન દરમ્યાન વોટિંગ કરવાની અપીલ કરી હતી. મજાની વાત એ છે કે ઐશ્વર્યા રાયને ખબર હતી કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ઇલેક્શન લડી રહ્યા છે અને એ બેઠકનું વોટિંગ સેકન્ડ ફેઝમાં ૧૭ ડિસેમ્બરે છે. ઍશને એ પણ ખબર હતી કે ૨૦મીએ ગુજરાત વિધાનસભાની મતગણતરી છે.