મા-બાપ સાથે દુર્વ્યવહાર કરનાર પુત્રને પ્રૉપર્ટીમાં હિસ્સો નહીં: Guj HC

23 July, 2019 08:36 AM IST  |  અમદાવાદ

મા-બાપ સાથે દુર્વ્યવહાર કરનાર પુત્રને પ્રૉપર્ટીમાં હિસ્સો નહીં: Guj HC

ગુજરાત હાઈ કોર્ટ

માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરનારાં બાળકો ચેતી જાય. તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટે માતા-પિતાને પીટનારા એક દીકરાને પ્રૉપર્ટીમાં ભાગ આપવાને બદલે તેનું પઝેશન વિલમાં જણાવ્યા મુજબ બે દીકરીઓને આપી દીધું હતું. પરિવાર વચ્ચે સંપત્તિના ડખાને લઈને મામલો કોર્ટ સુધી પહોંચતાં કોર્ટે આવો નિર્ણય આપ્યો હતો.

રમેશ પટેલ (નામ બદલ્યું છે)એ હાઈ કોર્ટમાં તેના પિતા અને બે બહેનો સામે અપીલ ફાઇલ કરીને વડોદરામાં બંગલાના પઝેશનની માગણી કરી હતી. પટેલ અગાઉ વડોદરાની ટ્રાયલ કોર્ટમાં કેસ હારી ગયો હતો. પટેલે હાઈ કોર્ટને જણાવ્યું કે તેની માતાએ ૩ જુલાઈ ૨૦૦૩માં બનાવેલા વિલથી તેનો પ્રૉપર્ટી પરનો અધિકાર છીનવી શકાય નહીં. આ દસ્તાવેજો કાયદાકીય દૃષ્ટિએ વૅલિડ પણ ગણી ન શકાય. તેણે પિટિશનમાં જણાવ્યું કે ટ્રાયલમાં એ સ્પષ્ટ નથી કે વિલ સાક્ષીની હાજરીમાં માતા દ્વારા સાઇન કરાયું હતું કે નહીં.

આ ઉપરાંત બંગલામાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લૉરનો સમાવેશ થાય છે. જો વિલ સ્વીકાર્ય ગણાય અને કાયદાકીય રીતે સાબિત કરી શકાય તો એમાં ફક્ત બંગલાના ગ્રાઉન્ડ ફ્લૉરનો જ સમાવેશ થાય, પહેલા માળનો નહીં. આથી તેને બંગલાના પહેલા માળ પર રહેવાનો હક છે એમ તેણે કોર્ટને જણાવ્યું હતું.

આ પણ વાંચો : હરેન પંડ્યા હત્યાકેસ: દોષિતો જેલમાં, અસગર અલીને ગુજરાત લવાશે

જોકે પિતા અને બે દીકરીઓએ તેના દાવાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે માતાએ અમુક કારણોને ધ્યાનમાં રાખીને જ પુત્રને પ્રૉપર્ટીમાંથી બાકાત રાખ્યો હતો. તેમણે ૨૧ ઑગસ્ટ ૨૦૦૩ના રોજ પુત્ર વિરુદ્ધ વડોદરા પોલીસમાં માતાએ કરેલી ફરિયાદની કૉપી પણ સબમિટ કરી હતી. પુત્ર તેનાં માતા-પિતા સાથે મારઝૂડ કરી હતી આથી જ માતા ચંદ્રકાન્તાબહેન (નામ બદલ્યું છે)એ વિલમાં બન્ને દીકરીઓને બંગલાની માલિકી આપી હતી. કોર્ટે કહ્યું કે બંગલામાં ફક્ત ગ્રાઉન્ડ ફ્લૉરનો જ સમાવેશ થાય અને પહેલા માળ પર તે રહી શકે એવી દલીલ સાવ પાયાવિહોણી છે.

gujarat ahmedabad