અમદાવાદમાં ૨૫ હજારથી વધુ હરિભક્તોએ હરખભેર ઊજવ્યો પ્રમુખસ્વામીનો જન્મદિવસ

30 November, 2014 05:58 AM IST  | 

અમદાવાદમાં ૨૫ હજારથી વધુ હરિભક્તોએ હરખભેર ઊજવ્યો પ્રમુખસ્વામીનો જન્મદિવસ




ગુજરાતના યાત્રાધામ સારંગપુરમાં ગઈ કાલે સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનો ૯૪મો જન્મદિન હજારો ભક્તો–સંતોની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘પ્રમુખસ્વામી મહારાજનો સંગાથ’ થીમ ઉપર કાર્યક્રમ રજૂ થયો હતો.

સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામી મહારાજે ૯૩ વર્ષ પૂરાં કરીને ૯૪મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાપાના ૯૪મા જન્મદિને તેમના અનેક ઋણની સ્મૃતિ સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સારંગપુર, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશનાં અનેક રાજ્યોમાંથી તેમ જ અમેરિકા, ઇંગ્લૅન્ડ, યુરોપના દેશો, પૂર્વ અને સાઉથ આફ્રિકાના દેશો, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, દક્ષિણ એશિયાના દેશો, આરબ દેશોમાંથી હજારો હરિભક્તો ઊમટ્યા હતા.’

મહંતસ્વામી, ત્યાગવલ્લભસ્વામી, ઈશ્વરચરણસ્વામી, વિવેકસાગરસ્વામી સહિતના સંતોએ પ્રમુખસ્વામી સાથેના સ્વાનુભાવો રજૂ કર્યા હતા. બાળકો અને યુવાનોએ વિવિધ નૃત્યો સહિત પ્રમુખસ્વામી મહારાજના જીવનનાં વિવિધ પાસાંઓને અલગ દૃષ્ટિકોણથી રજુ કર્યા હતાં.

પ્રમુખસ્વામી મહારાજ જ્યારે સ્ટેજ પર પધાર્યા ત્યારે અંદાજે ૨૫ હજારથી વધુ હરિભક્તો–સંતો ભાવવિભોર થઈ ઊઠ્યા હતા. હરિભક્તો પર કૃપાદૃષ્ટિ કરીને પ્રમુખસ્વામી મહારાજે સૌને અંતરથી આર્શીવાદ પાઠવ્યા હતા.

કાર્યક્રમના અંતમાં મહાઆરતી સાથે હજારો દીવડા પ્રગટાવીને પુષ્પાંજલિ સાથે સૌએ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણમાં ભાવવંદના કરી હતી.

પ્રમુખસ્વામીએ મને પારાવાર પ્રેરણા આપી : નરેન્દ્ર મોદી

ગઈ કાલે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘હું મારી જાતને ધન્ય માનું છું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે ખૂબ નિકટથી વાર્તાલાપ કરવાનો મને વર્ષો સુધી લાભ મળ્યો છે. તેમણે મને ખૂબ ઊંડાણથી પ્રેરિત કર્યો છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના ૯૪મા જન્મદિને મારા પ્રણામ પાઠવું છું. તેમણે પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા અને સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે.’