14 December, 2023 10:34 AM IST | Ahmedabad | Shailesh Nayak
પોતાના ઝૂંપડા પાસે લારીમાં સોલર પૅનલ મૂકીને સૂર્ય ઊર્જાની મદદથી બૅટરી ચાર્જ કરતા રાજુ દંતાણી.
અમદાવાદ : આજના સમયે સોલર લાઇટની બોલબાલા છે ત્યારે અમદાવાદમાં ઝૂંપડામાં રહેતો એક શખ્સ પણ સોલરનું મહત્ત્વ સમજ્યો છે અને તેના પરિવાર માટે સોલર લાઇટ આશીર્વાદરૂપ બની છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્રિજ નીચે રહેતા એક ઝૂંપડાવાસીએ તેના લાઇટ વગરના ઝૂંપડાને સોલર લાઇટથી ઝગમગતું કર્યું છે. લારીમાં સોલરની એક નાનકડી પૅનલ મૂકીને બૅટરી ચાર્જ કરીને રાતે ઝૂંપડામાં એલઈડી લાઇટ કરે છે તેમ જ મોબાઇલ ફોન પણ ચાર્જ કરે છે.
સાબરમતી ઓવરબ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુ દંતાણીએ પોતાના ઝૂંપડાની બહાર લારીમાં નાની સોલર પૅનલ મૂકી છે. આ સોલર પૅનલથી બૅટરી ચાર્જ કરે છે અને તેમના ઝૂંપડામાં એલઈડી બલ્બ લગાવીને લાઇટ કરે છે, જેથી રાતે કોઈ તકલીફ રહેતી નથી. એક સામાન્ય વ્યક્તિ પણ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજ્યો છે અને આજની ટેક્નૉલૉજી સાથે કદમ મીલાવીને એનો બખૂબી રીતે ઉપયોગ કરીને પોતાના ઝૂંપડામાં ઉજાસ ફેલાવ્યો છે.
ઝૂંપડાવાસી રાજુ દંતાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ઝૂંપડામાં લાઇટ નથી. મારા દીકરા ચંદ્રેશે એક પાનના ગલ્લે લગાવેલી સોલર લાઇટ જોઈ હતી અને તેને પણ થયું કે અમારા ઝૂંપડામાં લાઇટ નથી તો આવી સોલર લાઇટ લગાવીએ. એટલે તેણે પાનના ગલ્લાવાળા પાસેથી નાની સોલર પૅનલ લાવી હતી. આ પૅનલ અમે લારીમાં મૂકી છે અને સૂર્યના પ્રકાશથી અમે બૅટરી ચાર્જ કરીએ છીએ. સૂર્ય ઊર્જાથી એક વાર બૅટરી ચાર્જ થઈ જાય પછી રાતે લાઇટ કરીએ છીએ, જે લાઇટ બે-ત્રણ રાત સુધી ચાલે છે અને મોબાઇલ પણ ચાર્જ કરી શકીએ છીએ. સોલરના કારણે અમારે બૅટરી ભરાવવા જવું પડતું નથી. સોલરથી જ બૅટરી ભરાઈ જાય છે. આવી ટેક્નૉલૉજીથી અમારા ઝૂંપડામાં ઉજાસ ફેલાયો છે અને રાતે તકલીફ પડતી નથી.’