હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ૬ માર્ચ સુધી ધરપકડ નહીં

29 February, 2020 07:46 AM IST  |  Ahmedabad

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ૬ માર્ચ સુધી ધરપકડ નહીં

હાર્દિક પટેલ

ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઊતરી ગયેલા હાર્દિક પટેલ માટે અત્યંત રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મસમોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને ૬ માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે એટલું જ નહીં, આ સાથે સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે એફઆઇઆર રદ કરવાના અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ યુ. યુ. લલિત અને જસ્ટિસ વિનીતસરની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે. સાથે બેન્ચે કહ્યું કે મામલો ૨૦૧૫માં નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજી સુધી પેન્ડિંગ છે. પાંચ વર્ષથી આ મામલો બેસી ન રહી શકે.

હાર્દિક પટેલની આગેવાનીવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે અમદાવાદમાં એક મેગી રૅલી યોજી હતી અને ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો, કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે આ રૅલી માટે મંજૂરી આપવામાં આવી નહોતી. આ પહેલાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઈને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતાં હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાંહેધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વૉરન્ટ કાઢ્યું હતું.

રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતાં જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

hardik patel gujarat supreme court