કૉન્ગ્રેસને આપણા જ કાર્યકરો અને મિત્રો નુકસાન પહોંચાડશે

25 October, 2012 05:21 AM IST  | 

કૉન્ગ્રેસને આપણા જ કાર્યકરો અને મિત્રો નુકસાન પહોંચાડશે



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ ગુજરાત કૉન્ગ્રેસમાં જૂથબંધી કાયમ હોવાની વાતનો આડકતરી રીતે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે સ્વીકાર કર્યો છે. ગઈ કાલે ભરૂચમાં યોજાયેલા કાર્યકરોના સંમેલનમાં એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે કૉન્ગ્રેસને જો થોડુઘણું નુકસાન કરી શકે તેમ હોય તો તે આપણા કાર્યકરો અને મિત્રો છે.

ગઈ કાલે ભરૂચમાં યોજાયેલા કૉન્ગ્રેસના કાર્યકર સંમેલનને સંબોધતાં અહમદ પટેલે કહ્યું હતું કે પાંચ-સાડાચાર વર્ષ સુધી આપણી એકતા જળવાઈ રહે છે, પણ ઇલેક્શન નજીક આવે છે ત્યારે સળવળાટ થાય છે. આ પછી તેમણે કૉન્ગ્રેસમાં હજી પણ ચાલી રહેલી જૂથબંધીનો આડકતરી રીતે સ્વીકાર કરતાં હોય એમ કહ્યું હતું કે ‘ઘરમાં વાસણ ખખડે પણ એ વાસણ એવાં ન ખખડવાં જોઈએ કે ઘરને નુકસાન કરે. કૉન્ગ્રેસને કોઈ હરાવી શકે તેમ નથી, પણ કૉન્ગ્રેસને જો થોડું ઘણું નુકસાન કરી શકે એમ હોય તો તે આપણા કાર્યકરો અને મિત્રો છે.’

જોકે તેમણે કાર્યકરોને એક થવા હાકલ કરી હતી. અહમદ પટેલના આ વાંધાજનક નિવેદનને કારણે કૉન્ગ્રેસમાં ખળભળાટ મચ્યો છે; કેમ કે કૉન્ગ્રેસમાં જૂથબંધી હજી પણ કાયમ છે, પણ કોઈ અગ્રણી નેતા આ રીતે જાહેરમાં નિવેદન કર્યું નથી. એક રીતે અહમદ પટેલના આ નિવેદનની જાણે કે પૂર્તિ થતી હોય એમ ગઈ કાલે ગુજરાત વિધાનસભાની વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે તેમના મતવિસ્તારમાં જનસંમેલનના નામે શક્તિપ્રદર્શન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પ્રદેશ થોડા દિવસ પહેલાં ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉન્ગ્રેસના મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઉમેદવારીની પસંદગીને મુદ્દે રાજીનામા આપવાની ચીમકી પત્ર દ્વારા કૉન્ગ્રેસ અગ્રણીઓ સામે ઉચ્ચારી હતી.