અમદાવાદના શાહપુરમાં પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે બકરી ઈદની ઉજવણી

07 October, 2014 05:46 AM IST  | 

અમદાવાદના શાહપુરમાં પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે બકરી ઈદની ઉજવણી




ગઈ કાલે બકરી ઈદના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે અમદાવાદ શહેર પોલીસે શાહપુર વિસ્તારમાં પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ તેમ જ રૅપિડ ઍક્શન ફોર્સના જવાનો સાથે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાયટ કન્ટ્રોલ વેહિકલ સાથે સમગ્ર શાહપુર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પૅટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેને પગલે સાંજ સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય ગ્યાસુદ્દીન શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસના ગોળીબારમાં રવિવારે ઘવાયેલા યુવાન અશરફ ખાન પઠાણનું ગઈ કાલે વી. એસ. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બાવીસ વર્ષના અશરફનાં આવતા મહિને લગ્ન થવાનાં હતાં અને ઘર રંગવાનું કામ ચાલતું હતું. લેબરકામ કરતો અશરફ સાઇકલ પર ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે ગોળી વાગતાં તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.’

શાહપુર પોલીસે કહ્યું હતું કે પોલીસ રવિવારે સાંજે ગૌવંશની કુરબાની અટકાવવા માટે પૅટ્રોલિંગમાં ફરતી હતી એ દરમ્યાન રંગીલા પોલીસચોકીથી શાહપુર અડ્ડા સુધી એક હજારથી પંદરસો માણસોના ટોળાએ કુરબાનીનાં પશુ પોલીસ છોડાવી ન જાય એ આશયથી હિંસક હથિયારોથી સજ્જ થઈ પોલીસ પર હુમલો કરીને જાન લેવાની કોશિશ કરી તેમને ઈજાઓ કરી હતી. એના પગલે શાહપુર પોલીસે બાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત શાહપુર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલા ટૉરન્ટ પાવર પાસે રવિવારે સાંજે સાડાસાત વાગ્યે ૧૫૦૦થી ૨૦૦૦ માણસોના ટોળાએ ઘાતક હથિયારો સાથે સબ-ઇન્સ્પેક્ટર એ. બી. ગોહિલ પર હુમલો કરીને તેમની સર્વિસ રિવૉલ્વર છીનવી લીધી હતી. આ ઉપરાંત લોક રક્ષક દળના સરદાર સિંહની મોટરસાઇકલને આગ ચાંપી હતી તેમ જ પોલીસ-કૉન્સ્ટેબલ મયૂરદાન ગઢવીને મૂઢ માર મારીને ઈજા પહોંચાડી હતી. આ વિશે શાહપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.