ઍક્ટિંગ જ ઑક્સિજન, ઍક્ટિંગ જ આજીવિકા

05 July, 2020 11:43 AM IST  |  Rajkot | Rashmin Shah

ઍક્ટિંગ જ ઑક્સિજન, ઍક્ટિંગ જ આજીવિકા

મનોજ જોષી

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસો‌સિએશનના વાઇસ પ્રેસિડન્ટ અને જાણીતા ઍક્ટર પદ્‍મશ્રી મનોજ જોષી ગઈ કાલે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને રૂબરૂ મળ્યા હતા. બન્ને વચ્ચે શૂટિંગ નહીં કરી શકતા ૬પ વર્ષથી ઉપરના ઍક્ટરોને શૂટિંગ કરવાની પરમિશન આપવામાં આવે એ વિશે ચર્ચા થઈ હતી. મનોજ જોષીએ કહ્યું કે ‘કેટલીક ટેક્નિકલિટી આ ઇન્ડસ્ટ્રીના લોકો હોય તેમને જ ખબર હોય છે. જરૂરી નથી કે બધા સાધનસંપન્ન હોય અને ૬પ પછી તેઓ ઘરમાં બેસી રહે તો ચાલવાનું હોય. કેટલાક એવા પણ ઍક્ટરો છે જેને માટે ઍક્ટિંગ આજીવિકા છે એટલે તેમણે કામ કરવાનું છે. એ ઍક્ટરોની ભાવના તેમની પાસે અમારે વ્યક્ત કરવી હતી એટલે રૂબરૂ મળ્યા અને તેમને વાત કરી.’
મનોજ જોષીએ ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ૬પ વર્ષથી વધુની ઉંમરના કલાકારોની સંખ્યા વિશે પણ ગવર્નરને કહ્યું અને સાથોસાથ એ પણ સમજાવ્યું કે તમામ પ્રકારનાં પ્રિકોશન્સ સાથે કામ કરવાની પરમિશન તેમને મળવી જોઈએ. મનોજ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યુંકે ‘હવે આપણે કોરોના સાથે રહેતાં અને કામ કરતાં શીખવાનું છે તો આપણે ચીવટ સાથે પણ આગળ વધવું પડશે. આ રીતે એક ચોક્કસ ઉંમરના વર્ગને બહાર રાખવાની પ્રક્રિયા નહીં થઈ શકે. ઘણા ઍક્ટર એવા છે જેમને માટે ઍક્ટિંગ ઑક્સિજનનું કામ કરે છે તો ઘણા કલાકારો એવા છે જેમને માટે કમાવું અનિવાર્ય છે. ગવર્નરે બધી વાત સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે બહુ ઝડપથી આ બાબતે ચર્ચા કરશે અને જરૂર લાગશે તો ફેરવિચારણા કરીને આ મુદ્દે અલગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.’
આ મીટિંગનો એક હેતુ ગવર્નર ભગત સિંહ કોશ્યારીને અભિનંદન આપવા માટે પણ હતો. બન્યું હતું એવું કે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીના અવસરે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધી-જીવન પર એક નિબંધ-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના ગવર્નરે એક સામાન્ય નાગરિકની જેમ હિસ્સો લીધો હતો અને સ્પર્ધામાં પ્રાઇઝ પણ મેળવ્યું હતું. મળેલી આ ઇનામની રકમમાં ત્રણ ગણી રકમ અંગત રીતે ઉમેરીને ગવર્નરે એ રકમ પોસ્ટલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને કોવિડ-19 સામે રક્ષણ મેળવવાના હેતુથી ભેટ આપી હતી. મનોજ જોષીએ કહ્યું હતું કે ‘અગાઉ પણ અમે મળ્યા હતા, પણ આ વખતે મળવાનો હેતુ જુદો હતો. આ વખતે મારી ઇન્ડસ્ટ્રીના વડીલ ઍક્ટર-મિત્રોના મનની વાત અમે તેમને કરી છે. આશા છે કે બહુ ઝડપથી એ મિત્રોની ઇચ્છા પૂરી થાય એવો સુધારો ગાઇડલાઇનમાં આવે.’

Rashmin Shah manoj joshi gujarat rajkot