ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૬૫થી ૭૫ ટકા મતદાન

30 December, 2011 05:23 AM IST  | 

ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૬૫થી ૭૫ ટકા મતદાન



અમદાવાદ: ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયત પૈકી ૨૧૨૪ ગ્રામપંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી જેથી ૮૨૭૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે ગઈ કાલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ગુજરાતનાં ૯ ગામોમાં જુદા-જુદા ૧૧ વૉર્ડમાં  મતપત્રકમાં ઉમેદવારનાં નિશાનમાં ભૂલ હોવાને કારણે આ ૧૧ વૉર્ડમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યાં આજે મતદાન થશે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કલ્યાણપુર અને બેગવા ગામે તેમ જ દાહોદ જિલ્લાના સરસવા-પૂર્વ, મોટા નટવા અને ભૂવેરા ગામે મતદાનમથકોમાંથી મતપત્રો અને મતપેટી ઝૂંટવાના બનાવો નોંધાયા હતા, જેથી એ સ્થળોએ મતકેન્દ્રોમાં અને કેન્દ્રોની આસપાસ બનેલા બનાવોથી મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.