હૅપી બર્થ-ડે કેસર કેરી...

26 May, 2023 07:45 AM IST  |  Junagadh | Shailesh Nayak

કેરીની રાણી કેસર ટાઇટલ હેઠળ જૂનાગઢમાં પહેલી વાર કેસર કેરીના જન્મદિનનું અનોખું સેલિબ્રેશન

જૂનાગઢમાં ગઈ કાલે કેસર કેરીનો જન્મદિન ઊજવીને કેરીનો સ્વાદ સૌએ માણ્યો હતો.


અમદાવાદઃ કોઈ ફ્રૂટના બર્થ-ડે સેલિબ્રેશનની સંભવિત પહેલી અનોખી ઘટના ગુજરાતમાં બનવા પામી છે. દેશ અને દુનિયામાં જે કેરીએ લોકોને ઘેલું લગાડ્યું છે એ કેસર કેરીનો ગઈ કાલે જૂનાગઢમાં પહેલી વાર જન્મદિન ઊજવાયો હતો અને લોકોએ કેસર કેરીનો સ્વાદ માણ્યો હતો.
જૂનાગઢમાં સક્કરબાગમાં આવેલા ફળ સંશોધન કેન્દ્રમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા કેરીની રાણી કેસર ટાઇટલ હેઠળ પ્રથમ વાર કેસર કેરીના જન્મદિવસનું અનોખું સેલિબ્રેશન યોજાયું હતું. 
તાલાલાના વિધાનસભ્ય ભગવાન બારડે કહ્યું હતું કે ‘ક્લાઇમેટિક અસર વચ્ચે પણ કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સાથે-સાથે નવું વાવેતર પણ થઈ રહ્યું છે. રામપરા–બામણાસા સહિતના વિસ્તારમાં આંબામાં વહેલું ફ્લાવરિંગ થાય છે એ પણ એક સંશોધનનો વિષય છે.’
દર વર્ષે કેસર કેરીનો જન્મદિવસ ઊજવવામાં આવશે એવી જાહેરાત કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વી. પી. ચોવટિયાએ કહ્યું હતું કે ‘કેસર કેરીને જીઆઇ ટૅગ એટલે ભૌગોલિક ઓળખ અપાવવામાં સફળતા મળી છે પરંતુ કેસર કેરીમાં રહેલા પોટેન્શિયલ ગુણધર્મો મુજબ સમગ્ર વિશ્વમાં યોગ્ય સ્થાન અપાવી શક્યા નથી ત્યારે આ દિશામાં સહિયારો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળી શકશે.’
કૃષિ વિભાગના અધિકારીઓ, વિધાનસભ્ય, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નગરજનોએ એકઠા થઈને કેસર કેરીના બર્થ-ડેની ઉજવણી કરીને કેસર કેરીનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ કેસર કેરીના રસપ્રદ ઇતિહાસની વાતો વાગોળી હતી તેમ જ કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ તેમના અનુભવો વર્ણવ્યા હતા. આ ઉપરાંત ફળ સંશોધન કેન્દ્ર ખાતે આંબાની ૭૦થી વધુ જાતોનું નિરીક્ષણ કર્યું હતું. 

gujarat news junagadh