સુરતમાં માતાએ ત્રણ સંતાનોની હત્યા કર્યા પછી આપઘાત કર્યો

08 December, 2011 07:29 AM IST  | 

સુરતમાં માતાએ ત્રણ સંતાનોની હત્યા કર્યા પછી આપઘાત કર્યો



ત્રણ બાળકોની હત્યા અને માતાની આત્મહત્યાના બનાવ વિશે સુરતના રાંદેર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી. બી. પટેલે જણાવ્યું હતું કે ‘સવારે પાડોશના ફ્લૅટના રહેવાસીએ જાણ કરી હતી કે ફ્લૅટ નંબર ૪૦૧માં રહેતા જયશંકર શર્માની પત્ની વંદનાની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી દેખાય છે. પોલીસ આ માહિતીના આધારે ફ્લૅટમાં પહોંચી ત્યારે ખબર પડી કે વંદનાનાં ત્રણ બાળકો ૭ વર્ષનો મુસ્કાન, ૪ વર્ષની આલિસ્કા અને બે વર્ષના પુત્ર શિવાંગનું ઓશીકાથી ગળું ઘોંટીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણે બાળકોના મૃતદેહો બેડશીટ પર જ પડ્યા હતા.’

વંદનાએ આપઘાત કરતાં પહેલાં સુસાઇડ-નોટમાં શું લખ્યું?

ત્રણ વહાલસોયાં બાળકોની હત્યા કર્યા પહેલાં અથવા પછી વંદનાએ આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ-નોટમાં જણાવ્યું હતું કે ‘હું મારી જિંદગીથી કંટાળીને આ પગલું ભરી રહી છું. મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણવા નહીં.’

બે વર્ષનો દેખાવડો શિવાંગ જન્મથી બોલી કે સાંભળી નહોતો શકતો અપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે વંદનાનાં ત્રણ બાળકોમાં બે વર્ષનો દેખાવડો પુત્ર શિવાંગ જન્મથી બોલી કે સાંભળી શકતો નહોતો છતાં બન્ને પતિ-પત્ની તેને ખૂબ પ્રેમથી સંભાળતાં હતાં.

પતિના વિરહમાં કૃત્ય કર્યું?

વંદનાનો પતિ જયશંકર હૈદરાબાદ અને ગોવામાં કાર્યરત શિપિંગ કંપની એશિયન એસ. પાર્કર લિમિટેડમાં માસ્ટરની નોકરી કરતો હતો. તે ગોવા બ્રાન્ચમાં નોકરી કરી સુરતનું કામ જોતો હતો. જયશંકર દોઢ મહિના અગાઉ કંપનીએ બનાવેલું ડેક લઈ રત્નાગિરિ ગયો હતો. નોકરીને લીધે તે ઘણા દિવસો ઘરની બહાર રહેતો હતો.

પોલીસનું અનુમાન છે કે પતિની વ્યાવસાયિક વ્યસ્તતાથી હતાશ થયેલી વંદનાએ ડિપ્રેશનમાં આવી જઈ આ પગલું ભર્યું હોઈ શકે. પોલીસે તેનાં બાળકોની હત્યા અને પત્નીના આપઘાતની જાણ જયશંકરને કરતાં તે રત્નાગિરિથી સુરત આવવા રવાના થયો હતો. શિપિંગ કંપનીમાં માસ્ટર જયશંકર શર્માને મહિને ૭૦,૦૦૦ રૂપિયા પગાર મળતો હતો. ૨૦૦૧માં વંદના સાથે તેનાં લગ્ન થયાં હતાં અને તેઓ ૨૦૦૬થી સુરતમાં રહેતાં હતાં.