બુલેટ માટે ખેડૂતોની જમીન લઈને રહેશે?

06 February, 2020 08:05 AM IST  |  Mumbai Desk | Ronak Jani

બુલેટ માટે ખેડૂતોની જમીન લઈને રહેશે?

વડા પ્રધાનના સ્વપ્નસમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને અનેક અવરોધ આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં જમીન માપણીનો વિરોધ કરતા ખેડૂતોને સાંભળ્યા વગર પ્રાંતકચેરીના અધિકારીઓએ ૨૮ ગામોમાંથી બાકી રહી ગયેલા પાંચ ગામમાં સંપાદન માટે જરૂર જમીનની માપણીની શરૂઆત કરી દીધી છે. અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરતા રહ્યા જ્યારે  અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેતરોમાં જઈ માપણી કરી અને પ્રોજેક્ટને આગળ વધારવાનું ચાલુ કર્યું છે. બુલેટ ટ્રેનના પ્રૉજેક્ટ આડે આવતા વિઘ્નોનો અંત નથી. આ તો વાત કરી છે માત્ર ગુજરાત પૂરતી. મહારાષ્ટ્રમાં તો આના કરતા વધારે વિરોધ છે. મહારાષ્ટ્રની નવી રાજ્ય સરકાર જ બુલેટ ટ્રેનના પ્રૉજેક્ટનો વિરોધ કરી રહી છે અને તેના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હજી એક દિવસ પહેલાં જ બુલેટ ટ્રેનના પ્રૉજેક્ટને સફેદ હાથી ગણાવતા કહ્યો હતો અને ઉમેર્યું હતું કે મોદીજીનો ભલે ડ્રીમ પ્રૉજેક્ટ હોય પણ તેમણે ઊંઘમાંથી બહાર આવીને વાસ્તવિકતાને જોવી જોઈએ.

વાસ્તવિકતા અત્યારે તો એ છે માત્ર મહારાષ્ટ્ર નહીં પણ ગુજરાતની સીમાના ગામો પણ બુલેટ ટ્રેનના પ્રૉજેક્ટ સામેના વિરોધને ઉગ્ર બનાવી રહ્યા છે.

સરકાર દ્વારા અમદાવાદથી મુંબઈ સુધી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની જાહેરાત થયા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા આરંભ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાના ૨૮ ગામોના અનેક ખેડૂતો પોતાની જમીન અને મકાન ગુમાવશે આ અસરગ્રસ્ત ખેડૂતો અને રહેવાસીઓને કેટલું વળતર મળશે, એની જાહેરાત કર્યા વગર જ સરકાર દ્વારા માપણી આરંભાઈ હતી. પ્રથમ તબક્કામાં ૨૩ ગામોમાં માપણી કરવામાં આવી હતી જ્યારે પરથાણ, વેજલપોર, આમડપોર, કેસલી અને પાટી ગામમાં માપણી બાકી રહી હતી. જે ગામોમાં જમીન સંપાદનની માપણી માટે સંબંધિત ખેડૂતોને તારીખ સાથે નોટિસ પાઠવી હતી. પરતું ખેડૂતોના વિરોધ ને જોતા અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવા પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં  નવસારી જિલ્લાના ખેડૂતોએ અનેક વાર રેલીઓ કાઢી અને આવેદનપત્ર આપી પોતાની વ્યથા સરકારને જણાવી કે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે સરકારના કોઇપણ વિકાસ કાર્ય નો વિરોધ કરતા નથી પંરતુ આ વિસ્તાર ખૂબ જ ફળદ્રુપ છે માટે અમૂલ્ય જમીન માટે તેનું યોગ્ય વળતર અમે માગીએ છીએ, આ બાબતે નવસારી જિલ્લાની જંત્રી અવાસ્તવિક હોવાનો તત્કાલીન જિલ્લા કલેક્ટરે  પણ સરકારમાં રિપોર્ટ કર્યો હતો. તેમ છતાં સરકાર વળતર મુદ્દે  કોઈ જાહેરાત કરતી નથી.  ત્યારે સરકાર નવસારી જિલ્લાના ખેડૂતોને વળતર મુદ્દે ન્યાય આપશે કે પછી સરમુખત્યારશાહીથી તેમની જમીન પડાવશે એ જોવું રહ્યું.

navsari gujarat