ઝડપથી વધે છે રાજકોટમાં વાહનદર, કશેય ફ્રી પાર્કિંગ નહીં

06 February, 2020 09:54 AM IST  |  Rajkot | Rashmin Shah

ઝડપથી વધે છે રાજકોટમાં વાહનદર, કશેય ફ્રી પાર્કિંગ નહીં

દેશનું એક પણ શહેર એવું નથી કે જ્યાં આખેઆખા શહેરમાં પાર્કિંગ ચાર્જ લેવામાં આવતો હોય. આવી પ્રથા દુબઈમાં છે અને રાજકોટ પણ હવે એ રસ્તે જવાના મૂડમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આખા શહેરમાં બહાર એટલે કે રસ્તા પર પાર્ક થનારા વાહન પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા માગે છે. આની પાછળનું કારણ જો કોઈ હોય તો એ વધતો જતો વાહનદર.
મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે એવરેજ ૩પ,૦૦૦ બાળકો જન્મે છે જેની સામે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ૪૭,૦૦૦થી વધારે ટૂ-વ્હીલર અને ૯,૦૦૦ જેટલી કાર નવી ઉમેરાય છે. વધી રહેલાં વાહનોને લીધે રાતના સમયે મોટાભાગના ઘર અને સોસાયટીની બહાર વાહન પાર્કિંગની સમસ્યા જોવા મળે છે અને એ સમસ્યા સવારે સફાઈ માટે આવતાં કારીગરોને પણ ભોગવવી પડે છે. આ જ કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આખા શહેરનો એક પણ વિસ્તાર ફ્રી પાર્કિંગનો રાખવા રાજી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરેલી પાર્કિંગ પોલીસી મુજબ શહેરને પ્રાઇમ અને નોન-પ્રાઇમ એમ બે કેટેગરીમાં વેચવામાં આવશે. પ્રાઇમ લોકેશનમાં આવતા વિસ્તારોમાં ટૂ-વ્હીલર પાર્ક કરવા માટે વર્ષે ૭૩૦૦ અને કાર માટે ૧૮૨૫૦ જ્યારે નોન-પ્રાઇમ એરિયામાં ટુ વ્હીલર માટે ૫૪૭૫ અને કાર માટે ૧૪,૬૦૦ ચાર્જ સૂચવાયો છે. બસ, ટેમ્પો કે અન્ય ભારેખમ વાહનના પાર્કિંગ ચાર્જ પણ પોલિસીમાં દર્શાવવામાં આવ્યા છે. આ પાર્કિંગ ચાર્જ કોર્પોરેશનના ટેક્સ બિલમાં કે પછી એની માટે અલગ સોફ્ટવેર સાથે ફાસ્ટટેગ જેવું ટેગ તૈયાર કરીને એમાં વસૂલવામાં આવે.

શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને એકેક શેરીમાં પંદર-વીસ કાર અને વીસથી ત્રીસ ટૂ-વ્હીલર પાર્ક થયેલા હોવાથી ઊભી થતી તકલીફોને ધ્યાનમાં લઈને આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલિસી સામે હવે વાંધા અરજી મંગાવવામાં આવશે, ત્યાર પછી પોલિસી અમલ કરવામાં આવશે. એવી ધારણા મૂકવામાં આવે છે કે નવા ફાયનાન્સિયલ વર્ષથી પાર્કિંગ પોલિસી લાગુ કરી દેવામાં આવે. જો એવું બનશે તો રાજકોટ દેશનું પહેલું શહેર બનશે જ્યાં શહેરની તમામેતમામ શેરી અને રસ્તાઓ પે-એન્ડ-પાર્કના નિયમથી જોડાયેલી હશે.

rajkot gujarat