વડોદરા: સારા ગ્રેડ ન આવતા ધોરણ 7માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

05 May, 2019 11:59 AM IST  |  વડોદરા

વડોદરા: સારા ગ્રેડ ન આવતા ધોરણ 7માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

હાલ રિઝલ્ટની મોસમ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની આપઘાતના અહેવાલો પણ શરૂ થઈ ચૂક્યા છે. વડોદરામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માત્ર સાતમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી છે.

મળતી માહિતી પ્રમાણે કિશોરી પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં લખેલું છે કે પરિવારની અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવતા અંતિમ પગલું ભર્યું છે. સ્નેહાએ પિતાને સંબોધી લખેલી ચિઠ્ઠીમાં પહેલી લાઇનમાંજ પિતાની માફી માગી લીધી છે. તેને લખ્યુ છે, 'પપ્પા સોરી મારે એ ગ્રેડ જોઇતી હતી. પરંતુ બી ગ્રેડ આવી છે. આથી મારે જીવવાનો કોઇ અર્થ નથી.' આ ચિઠ્ઠી મકરપુરા પોલીસે તપાસ અર્થે કબ્જે કરી છે.પોલીસે આ ચિઠ્ઠીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર કિશોરી વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. 13 વર્ષની કિશોરીનું નામ સ્નેહા ચૌહાણ હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર

સ્નેહાના પિતા ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે, જ્યારે માતા બંગલામાં સફાઈનું કામ કરે છે. આ ઘટના શનિવારે બની. જ્યારે સ્નેહાના માતાપિતા બંને કામ પર ગયા હતા ત્યારે જ સ્નેહાએ આપઘાત કરી લીધો. શનિવારે સ્નેહાનું રિઝલ્ટ આવ્યું હતું. આ ઘટનાની જાણ સૌથી પહેલી પાડોશીને થઈ હતી.