દરિયાકાંઠાને પજવતા પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત હવે હાથવેંતમાં

16 October, 2019 10:56 AM IST  |  ભુજ | ઉત્સવ ટી. વૈદ્ય

દરિયાકાંઠાને પજવતા પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત હવે હાથવેંતમાં

પ્લાસ્ટિક

વિશ્વભરમાં આજે જ્યારે પર્યાવર્ણીય અસંતુલનનો મુદ્દો ચર્ચામાં છે અને દુનિયાના તમામ દેશો પર્યાવરણને નુકસાન કરી રહેલાં પરિબળોને અંકુશમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છના ભુજ ખાતેની રાજ્યની એકમાત્ર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી દ્વારા ખાસ કરીને સાગરકાંઠામાં વિનાશ વેરતા પ્લાસ્ટિક પર્યાવરણને નામશેષ કરવા માટે એક નવતર પ્રકારની શોધ કરાઈ છે અને ચેરિયાંનાં પાનમાંથી બાયો-પૉલિમર બનાવીને પ્લાસ્ટિકનો વિકલ્પ ઊભો કરાતાં જગતભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન કેન્દ્રિત થવા પામ્યું છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજીના ડિરેક્ટર ડૉ. વી. વિજયકુમારે આજે ભુજ ખાતે આ પ્રતિનિધિને આપેલી એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે સમુદ્રકાંઠે થતા ચેરિયા એટલે કે મૅન્ગ્રોવ્ઝમાંથી મળતા એક ચોક્કસ પ્રકારના બૅક્ટેરિયાની મદદથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજીના વૈજ્ઞાનિકોએ આ બાયો-પૉલિમર બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના સાગરકાંઠે ૩૬૦૦ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં, ૧૩ કાંઠાળ જિલ્લાઓમાં મૅન્ગ્રોવ્ઝ એટલે કે ચેરિયાંનાં વન છે. ભારતમાં મૅન્ગ્રોવ્ઝ કવરની બાબતમાં ગુજરાત બીજા નંબરે છે. ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી’ના વૈજ્ઞાનિકોએ ત્રણ વર્ષની જહેમત બાદ આ ઇકો-ફ્રેન્ડ્લી પૉલિમર બનાવ્યું છે.

ચેરિયાંનાં પાન અને એની આસપાસના કાદવ-કીચડમાંથી મળતા બૅક્ટેરિયામાંથી બનાવાયેલું આ ‘બાયો પૉલિમર’ પ્લાસ્ટિકની ગરજ સારી શકશે.

ડૉ. વિજયકુમારે ઉમેર્યું હતું કે બૅક્ટેરિયામાંથી બાયો-પૉલિમર બનાવવા પહેલાં સંખ્યાબંધ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. દરિયાકિનારે થતા મૅન્ગ્રોવ્ઝ એટલે કે ચેરિયાંનાં પાન અને એની આસપાસના કાદવ-કીચડમાં હેલોલેટોરન્ટ નામના બૅક્ટેરિયા થાય છે. પ્રયોગશાળામાં આ બૅક્ટેરિયા મલ્ટિપ્લાય થઈ શકે છે. એટલે કે એ તેથી બાયો-પૉલિમરમાંથી પ્લાસ્ટિકનું વ્યાપારી ઉત્પાદન થઈ શકે એવી પૂરી આશા જન્મી છે.

આ પણ વાંચો : રાજ્ય ડેન્ગીના ભરડામાં : 12નાં મોત, અનેક તબીબો પણ સપડાયા, દરદીઓ માટે બેડ ખૂટ્યા

આ સંશોધનમાં વિજ્ઞાનિક ડૉ. જી. જયંથી અને ડૉ. કે. કાર્થિકેયાને પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ બાયો-પૉલિમરનો ઉપયોગ ફાર્મા ઉદ્યોગમાં કરી શકાશે અને એમાંથી દવા માટે કૅપ્સ્યુલ બનાવી શકાશે. ઉલ્લેખનીય છે કે દેશનો સૌથી મોટો સાગરકાંઠો ધરાવતા ગુજરાતમાં આજથી બે દાયકા પહેલાં માત્ર ૯૧૧ સ્ક્વેર કિલોમીટર જેટલું મૅન્ગ્રોવ્ઝ કવર હતું જે વધીને હાલ ૩૬૦૦ વર્ગ કિલોમીટર જેટલું થવા પામ્યું છે. દરિયાકાંઠાના મૅન્ગ્રોવ્ઝ એટલે કે ચેરિયાં દરિયાઈ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી એના જતન માટે પણ કાર્યરત હોવાનું ડૉ. વિજયકુમારે ઉમેર્યું હતું.

bhuj gujarat