સંવેદનશીલ હરામી નાળામાંથી ઝડપાઈ પાંચ પાકિસ્તાની બોટ : ઘૂસણખોરો ગાયબ

13 October, 2019 09:20 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

સંવેદનશીલ હરામી નાળામાંથી ઝડપાઈ પાંચ પાકિસ્તાની બોટ : ઘૂસણખોરો ગાયબ

પાકિસ્તાની બોટ

પાકિસ્તાની ત્રાસવાદીઓ અને કમાન્ડોઝ ભારત-પાકિસ્તાન વચ્ચેની દરિયાઈ સીમા મારફતે ગુજરાતમાં કચ્છના અખાતના રસ્તે પ્રવેશવાની સતત પેરવી કરી રહ્યા હોવાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ચેતવણી વચ્ચે કચ્છના અરબી સમુદ્રમાં આવેલા હરામી નાળા વિસ્તારમાંથી ગઈ કાલે સરહદી સલામતી દળના જવાનો દ્વારા પાંચ પાકિસ્તાની બોટ ઝડપી લેવાતાં આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરોની હરકતો વધી રહી હોવાનાં એંધાણ મળી રહ્યાં છે.

કચ્છના અખાતમાંથી ગુજરાતમાં પ્રવેશવાની પેરવી કરી રહેલા પાકિસ્તાની ત્રાસવાદીઓ અને તાલીમબદ્ધ કમાન્ડોઝ ગુજરાતમાં ગમે ત્યારે પ્રવેશી શકે છે એવી બાતમી ભારતીય ગુપ્તચર તંત્રોને મળતાં તેમણે એક મહિના અગાઉ સરહદી સલામતી દળ અને ભારતીય તટરક્ષક દળને હાઈ અલર્ટ પર રહેવા જણાવ્યું છે.

ગુપ્તચર તંત્રના અહેવાલ પ્રમાણે નાની-નાની ફિશિંગ બોટમાં સવાર થઈને પાકિસ્તાની ઘૂસણખોરો કચ્છના અખાત અને અરબી સમુદ્રના સિર ક્રીક વિસ્તારમાંથી ગુજરાતમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘૂસણખોરી હરામી નાળા વિસ્તારમાંથી થવાની સૌથી વધુ શક્યતા છે. આ બાતમી જાણે સાચી પડતી હોય એમ પૅટ્રોલિંગ દરમ્યાન હરામી નાળા વિસ્તારમાં એક નહીં પણ પાંચ-પાંચ પાકિસ્તાની બોટ નજરે પડતાં એનો પીછો કરાયો હતો અને થોડા કલાકો બાદ આ પાંચ પાકિસ્તાની બોટ હરામી નાળા વિસ્તારમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને એમાંના ઘૂસણખોરો સંદિગ્ધ રીતે ગાયબ થઈ ગયા હતા.

આ પણ વાંચો : Video: મૉર્નિંગ વૉક દરમિયાન PM મોદીએ કરી સમુદ્ર તટની સફાઈ

દરમ્યાન અલોપ થઈ ગયેલા મનાતા પાકિસ્તાની ઘૂસપેઠિયાઓને ખોળી કાઢવા સમગ્ર દરિયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ શરૂ કરાઈ છે અને આ માટે ભારતીય નૌકાદળ તેમ જ ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં આ જ વિસ્તારમાંથી સરહદી સલામતી દળ દ્વારા આ જ રીતે સિર ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ મળી હતી, જ્યારે આ અગાઉ ગયા ઑગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં પણ બીજી બે પાકિસ્તાની બોટ મળી આવી હતી.

bhuj pakistan gujarat