કચ્છના નાના રણમાં એકસાથે ત્રણ ઘુડખરની હત્યા

20 January, 2020 02:46 PM IST  |  Mumbai Desk

કચ્છના નાના રણમાં એકસાથે ત્રણ ઘુડખરની હત્યા

વન્યપ્રેમીઓમાં રોષની લાગણી

અતિ દુર્લભ વન્ય જીવો માટેના સંરક્ષણ કાયદા ૧૯૭૬ હેઠળ આવરી લેવાયેલા કચ્છના નાના રણમાં વિચરતાં ઘુડખરો એટલે કે જંગલી ગધેડાની વસ્તીગણતરી માટે એક તરફ રાજ્ય સરકારે ૫૦ જેટલાં ડ્રોન વિમાનોની મદદથી જંગલી ગધેડાઓની વસ્તીગણતરી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ કચ્છના નાના રણમાં આવેલા કુડા-કૂપરણી રેન્જ વિસ્તારમાંથી પ્લાસ્ટિક બુલેટથી ઠાર મરાયેલાં એકસાથે ત્રણ-ત્રણ ઘુડખરોના મૃતદેહો મળી આવતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. આ ત્રણેય ઘુડખરોનો કોઈ જલ્લાદ દ્વારા શિકાર કરાયો હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૧૯૭૩માં કચ્છના નાના રણ વિસ્તારને ઘુડખર અભયારણ્ય જાહેર કરાયો હતો અને ત્યાર બાદ કચ્છના મોટા રણનો પણ કેટલોક ભાગ ઉમેરવામાં આવ્યો હતો. કુલ્લે લગભગ ૪૯૫૪ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો છે. આ જંગલી ગધેડા કચ્છના રણ સિવાય વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ જોવા મળતા નથી તેથી ઘુડખરને કચ્છની ઓળખનું પ્રતીક માનવામાં આવે છે.

૧૯૪૦માં ઘુડખરની વસ્તીગણતરી  કરાઈ હતી ત્યારે ૩૫૦૦ જેટલા જંગલી ગધેડા જોવા મળ્યા હતા. એના માત્ર બે જ દાયકા બાદ એટલે કે ૧૯૬૦માં એની સંખ્યા ઘટીને માત્ર ૩૬૨ રહેવા પામી હતી. ૨૦૧૪માં થયેલી છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે કચ્છના રણમાં જંગલી ગધેડાઓની સંખ્યા ૪૪૫૧ પર પહોંચી છે. આવા દુર્લભ પ્રાણીનો લોકો શિકાર કરી રહ્યા છે એ બાબત ખૂબ જ દુ:ખદ હોવાનું કચ્છના જાણીતા વાઇલ્ડલાઇફ વૉર્ડન નવીન બાપટે જણાવ્યું હતું.

kutch gujarat Crime News