સુરત આગ કેસમાં 11 આરોપી સામે ચાર્જશીટ દાખલ, 3 આરોપી ફરાર

22 July, 2019 07:46 PM IST  | 

સુરત આગ કેસમાં 11 આરોપી સામે ચાર્જશીટ દાખલ, 3 આરોપી ફરાર

11 આરોપી સામે ચાર્જશીટ દાખલ

સુરતમાં 24મી મે સરથાણામાં આવેલ તક્ષશિલા આર્કેડ કોમ્પલેક્ષમાં લાગેલી ભયાનક આગમાં 22 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ટ્યૂશન ક્લાસમાં ભણી રહેલા માસૂમ બાળકોએ ટ્યૂશન માલિક, બિલ્ડરો, પ્રસાશન અધિકારીની ભૂલના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. બાળકોના મોતના કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરત આગ અકસ્માત પછી સરકાર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી હતી. તપાસ અંતર્ગત ક્રાઈણ બ્રાન્ચની ટીમે 11 આરોપીઓ વિરૂદ્ધ 4275 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસના પહેલા દિવસથી જ કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં હતા અને તેમની સામે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાંચે આ કેસમાં કુલ 251 લોકોને સાક્ષી તરીકે લઈને 4275 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડુ દર્શાવ્યાં છે. તપાસના 60 દિવસના અંદર ચાર્જશીટ જમા કરવાની હોય છે તેને ધ્યાનમાં લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે 11 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે.

આ પણ વાંચો: AMC એ મુક્યો 2 દિવસ માટે પાણીનો કાપ, સ્થાનિકો પરેશાન

સુરત પોલીસ કમિશ્રરે કહ્યું હતું કે, હજુ આ કેસમાં તપાસ બાકી છે અને મૃતકોના પરિવારને ન્યાય અપાવવા માટે પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી ક્લાસીસના સંચાલકો, બિલ્ડર, પાલિકાના કાર્યપાલક ઈજનેર, ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ડીજીવીસીએલના અધિકારીની ધરપકડ કરી છે. આ સિવાય ત્રણ આરોપીઓ ફરાર થયા છે જેમની શોધ હાથ ધરવામાં આવી છે.

surat gujarati mid-day