આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

06 September, 2019 08:30 AM IST  |  સુરત

આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ પોતાની સેન્ચુરી નોંધાવી દીધી છે. રાજ્યમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ગયો છે. તેમ છતાં હજી પણ રાજ્યભરમાં આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે-ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે, ગઇકાલ મોડી રાતથી કચ્છના ભુજમાં ભયાનક વીજળીના કડાકાઓ સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દીવ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચ દિવસમાં ૨૮ જિલ્લામાં ભારે વરસાદ થશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને ૬ અને ૭ સપ્ટેમ્બરે દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં હજી પણ ધોધમાર વરસાદ પડી શકે છે. બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરઃ વાપીમાં 11.4 ઇંચ, તાલાલામાં 6 ઇંચ વરસાદ

છઠ્ઠી તારીખે દક્ષિણ ગુજરાતમાં, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડશે. ૭મીએ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ જ આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. પાંચમા દિવસે ૮મીએ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ તથા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તેમ જ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

gujarat surat Gujarat Rains