અટલની જન્મજયંતી દિવસથી રાજ્યમાં ખેડૂતોને સહાય વિતરણનો પ્રારંભ

26 December, 2019 11:21 AM IST  |  Mumbai Desk

અટલની જન્મજયંતી દિવસથી રાજ્યમાં ખેડૂતોને સહાય વિતરણનો પ્રારંભ

વડોદરામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન પેટે સહાય આપવા માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના પાંચ જિલ્લાઓના ખેડૂતોને સીએમ રૂપાણીના વરદ હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી. બીજેપી આજે સ્વર્ગવાસી વડા પ્રધાન અટલબિહારી બાજપેયીના જન્મદિને સુશાસન દિવસ તરીકે પણ ઊજવી રહી છે જેથી સીએમ વિજય રૂપાણીએ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વડોદરા પ્રદેશના જિલ્લાઓ વડોદરા, આણંદ, નર્મદા, ભરુચ, છોટાઉદેપુરના ધરતીપુત્રોને સહાય વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં હાલ ચાલી રહેલા સીએએના વિરોધને પગલે સીએમ રૂપાણીએ કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

સીએમ રૂપાણીએ કહ્યું કે ૩૭૦ કલમ હટાવી કાશ્મીરની સમસ્યા દૂર કરી છે. વડા પ્રધાને ટ્રિપલ તલાક, રામ મંદ‌િરનો રસ્તો પણ ચોખ્ખો કર્યો છે. સીએએના બિલ પર વિપક્ષ વોટબૅન્કની રાજનીતિ કરે છે. શરણાર્થીઓને સન્માન પ્રાપ્ત થયું છે. પાક. અફઘાનિસ્તાનમાં ૫૦૦માંથી માત્ર ૨૦ મંદિર બચ્યાં છે. આઝાદી પછી ભારતમાં મુસલમાનોની સંખ્યા વધી છે. દેશમાં તોફાન થાય અને સાચી વાત ખબર ન પડે એવાં શાસન થયાં છે.
તમામ ડૅમ અને તમામ તળાવ આજે ભરાયાં છે. રવીપાક અને ઉનાળુ પાક માટે સરકાર પૂરતું પાણી આપશે. અન્નનું ઉત્પાદન કરી ગુજરાતનો તાત દુનિયાની ભૂખ ભાંગે છે. એસીબીના અધિકારી લાંચ લેશે તો તેને પણ નહીં છોડીએ. ગુજરાતમાં ભ્રષ્ટાચારના તમામ દરવાજા બંધ થયા છે.
સીએમ રૂપાણીએ કાર્યક્રમમાં કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે કૉન્ગ્રેસ દ્વારા નાગરિકતા બિલ અંગે અફવા ફેલાવવામાં આવી રહી છે. દેશમાં મોદી સરકારે વિકાસનાં કામો કર્યાં છે. બીજેપી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન બિલ લાગુ કરી અનેક લોકોને ભારતની નાગરિકતા આપી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ કાર્યક્રમમાં વડોદરાના ચિખોદરા ગામે બનાવેલા એસટીપી પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. દેશ અને રાજ્યમાં પ્રથમ વખત ચિખોદરામાં એસટીપી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

atal bihari vajpayee Vijay Rupani gujarat