રથયાત્રાઃભગવાન જગન્નાથજી માટે હજારો કિલો મગના પ્રસાદની તૈયારી શરૂ

23 June, 2019 08:53 PM IST  |  અમદાવાદ

રથયાત્રાઃભગવાન જગન્નાથજી માટે હજારો કિલો મગના પ્રસાદની તૈયારી શરૂ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર પરિસરમાં તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા દરમિયાન ભક્તોને અપાતા હજારો કિલો મગની સાફસફાઈ શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન દર્શને આવતા હજ્જારો લોકોને હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

ત્યારે જગન્નાથ મંદિર પરિસરમાં મગની સાફસફાઈ શરૂ કરી દેવાઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓ ભજન ગાતા ગાતા મગની સાફ સફાઈમાં લાગી ચૂકી છે. જગન્નાથ મંદિરમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી મહિલાઓ સ્વૈચ્છિક સેવા આપવા માટે પહોંચી રહી છે. અને ભજનના નાદ સાથે મગની સાફસફાઈ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે મગ એ શારિરીક તાકાત માટે પણ જરૂરી ગણવામાં આવે છે. ત્યારે રથયાત્રામાં ચાલતા જતા ભક્તોની શારિરીક તાકાત માટે પણ ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. એકતરફ ભગવાન જગન્નાથજીના ભજન, ભક્તિ ગીતો સાથે મગની સફાઈની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જગન્નાથજી મંદિરનું વાતાવરણ જાણે જગન્નાથમય બની ગયું છે.

આ પણ વાંચોઃ Video: જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાનો નજારો

આ સાથે જ જગન્નાથ મંદિરમાં જાણે કોઈ પ્રસંગ હોય તેમ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તમામ લોકો બગવાનની સેવામાં લાગી ચૂક્યા છે. આ મહિલાઓ પણ મગ સાફ કરીને ભક્તિ કરી રહી છે. રથયાત્રાની તૈયારીઓમાં લાગેલી આ મહિલાઓ મગ સફાઈ સાથે ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયત્રાની પૂર્વ તૈયારીમાં સમગ્ર અમદાવાદના લોકો તૈયારીમાં લાગી ગયા છે.

Rathyatra ahmedabad news gujarat