જાના થા વડોદરા પહોંચ ગએ રાજપીપળા

12 October, 2019 08:02 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

જાના થા વડોદરા પહોંચ ગએ રાજપીપળા

એસટી બસ

ગુજરાતમાં શરાબ પીવાય છે એવું સ્ટેટમેન્ટ કૉન્ગ્રેસના નેતા અશોક ગેહલોટે કરતાં ગુજરાત બીજેપીએ દેકારો બોલાવ્યો હતો અને એવો દાવો કરવા માંડ્યો હતો કે ગેહલોટના આ સ્ટેટમેન્ટને લીધે ગુજરાતની ગરિમા ઝંખવાઈ છે, પણ આ દાવો પોકળ હોય એવી એક ઘટના બની છે. આમ તો આ ઘટના બે દિવસ પહેલાંની છે, પણ એ ઘટના કોઈ ને કોઈ કારણસર ક્યાંક દબાઈ ગઈ અને એ બહાર ન આવે એની ચીવટ રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

બે દિવસ પહેલાં મોડી સાંજે છોટા ઉદેપુરથી ઊપડેલી બસ વડોદરા જવાની હતી, પણ એ બસના ડ્રાઇવર-કન્ડક્ટરે એટલી હદે દારૂ પીધો કે બન્નેને વડોદરાના માર્ગનું ભાન ન રહ્યું અને તેઓ બસ લઈને છેક રાજપીપળા પાસે આવેલા બોડેલી ગામ પહોંચી ગયા. બોડેલી પહોંચ્યા પછી ભૂલનું ભાન થવાને બદલે ડ્રાઇવરે છડેચોક એવું કબૂલ્યું કે એ તો સહેજ છાંટોપાણી થઈ ગયો એટલે રસ્તો ભુલાઈ ગયો, હવે બધાને પાછા લઈ જઈએ છીએ. ડ્રાઇવરે રાજપીપળા એસટી મૅનેજરની હાજરીમાં પોતે દારૂ પીધો છે એ તો કબૂલ્યું, પણ સાથોસાથ એ પણ કબૂલ્યું કે કન્ડક્ટરે પણ દારૂ પીધો છે.

જોકે એ દરમ્યાન પૅસેન્જરે હોબાળો મચાવી દીધો હતો. કેટલાક પૅસેન્જર તો વડોદરા કલેક્ટર ઑફિસમાં નોકરી કરતા હતા તેમણે ડ્રાઇવરના સ્ટેટમેન્ટનું વિડિયો રેકૉર્ડિંગ કર્યું અને વાઇરલ પણ કર્યું. પૅસેન્જરના કહેવા મુજબ છોટા ઉદેપુરથી નીકળેલી બસ રસ્તામાં ૬ વખત ઍક્સિડન્ટ કરતાં બચી ગઈ એ પછી પણ ડ્રાઇવર કોઈની વાત સાંભળતો નહોતો. વડોદરા એસટી ડિપાર્ટમેન્ટમાં વાત કરતાં એક અધિકારીએ ઑફ ધ રેકૉર્ડ કબૂલ્યું હતું કે આવી ઘટના બની છે અને છોટા ઉદેપુરથી વડોદરા આવતી બસ ૩ કલાક મોડી પડી હતી અને એ બસ છોટા ઉદેપુરને બદલે બોડેલી પહોંચી ગઈ હતી. એમાં જે ડ્રાઇવરની ડ્યુટી હતી એ ડ્રાઇવર-કન્ડક્ટરને બદલે રાજપીપળાના અન્ય ડ્રાઇવર બસ લઈને આવ્યો હતો.

આ ઘટના વિશે વાત કરવા ગઈ કાલે ‘મિડ-ડે’એ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના વાઇસ ચૅરમૅન સોનલ મિશ્રાને કૉન્ટૅક્ટ કર્યો હતો, પણ વાઇસ ચૅરમૅન ફોન પર વાત કરવા તૈયાર થયા નહોતા, તો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે આ વિશે ફોન પર વાત કરવાની ના પાડી દીધી હતી.

છોટા ઉદેપુરથી બસ વડોદરા લઈ જવાને બદલે રાજપીપળાના બડોલી ગામ લઈ જનારા ડ્રાઇવરનું નામ અશોક ડામોર હોવાનું કહેવાય છે. આ બસમાં ૪૦થી વધારે પૅસેન્જર હતા. ભલું થજો ગુજરાતનું કે ડ્રાઇવરે ઍક્સિડન્ટ ન કર્યો.

vadodara gujarat Rashmin Shah