રાજકોટમાં લોક મેળા માટે લેવાયો 4 કરોડનો વીમો

22 July, 2019 05:25 PM IST  |  રાજકોટ

રાજકોટમાં લોક મેળા માટે લેવાયો 4 કરોડનો વીમો

lmage courtesy_ Youtube

અમદાવાદના કાંકરિયામાં રાઈડ પડ્યા બાદ તેના પડઘા રાજ્યભરમાં પડી રહ્યા છે. રાજકોટમાં લોકમેળો ભરાવા જઈ રહ્યો છે, ત્યારે પહેલેથી જ તંત્ર સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. રાજકોટમાં યોજાનારા લોક મેળા દરમિયાન જુદી જુદી રાઈડ્સ લાગે છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે તંત્રએ આ મેળા માટે 4 કરોડનો વીમો ઉતરાવ્યો છે. મેળામાં અનિચ્છનિય ઘટના દરમિયાન થનારા નુક્સાનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વીમો ઉતરાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા લોકમેળામાં રખાનારી તમામ રાઈડ્સની આકરી ચકાસણી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજકોટના કલેક્ટરના કહેવા પ્રમાણે જો કોઈ પણ ખામી દેખાશે તો રાઈડ્સ ચલાવવાની મંજૂરી નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સાતમ આઠમ દરમિયાન રાજકોટમાં લોકમેળો ભરાય છે, જે આખા રાજ્યમાં જાણીતો છે. આ લોકમેળામાં આખા સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. અને મોટી સંખ્યામાં ભીડ જામે છે, ત્યારે અમદાવાદની ઘટના પરથી રાજકોટ તંત્રએ બોધપાઠ લીધો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયામાં રાઈડ પડવાની ઘટના બની હતી. બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી રાઈડ તૂટી પડતા 2 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચી છે. આ દુર્ઘટના બાદ રાઈડની સ્થિતિ અને સલામતીને લઈ સવાલો ઉઠ્યા હતા.

rajkot gujarat