રાજકોટ : યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર કમલેશ રામાણીએ સોપારી આપી હતી

17 March, 2019 06:45 PM IST  |  રાજકોટ

રાજકોટ : યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર કમલેશ રામાણીએ સોપારી આપી હતી

ફાઇલ ફોટો : નામચીન બિલ્ડર કમલેશ રામાણી

જમીન કૌભાંડ માટે રાજકોટ શહેર રાજ્યભરમાં વખણાયેલું છે. ત્યારે શહેરમાં જમીન કૌભાંડ અને દુષ્કર્મ જેવા અનેક કેસમાં પોલીસ ચોપડે ચડેલા નામચીન બિલ્ડર કમલેશ રામાણી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મળતી માહિતી મુજબ કમલેશ રામાણીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીનો ચહેરો બગાડવા માટે ‘સોપારી’ આપ્યાનો ધડાકો થયો હતો. અઠવાડિયા પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સને દબોચી પૂછપરછ કરતાં સ્ફોટક કાવતરાનો પણ પર્દાફાશ થયો હતો. પોલીસે કમલેશ સહિત છ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


કમલેશ રામાણીના સોમવારે બપોરે 3 વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર
સોપારી આપી ઈજા કરવા માટેની કોશિશના ગુનાના આરોપી કમલેશ રામાણી, જમાલ મેતર અને કમલેશ દક્ષિણીના સોમવારે બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર થયા છે. તો બીજી તરફ શહેર પોલીસે લૂંટ કેસમાં પકડેલા આરોપી ચેતન રાઠોડ અને અનમોલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે.

યુવતીનો ચહેરો બગાડવા 1.35 લાખની સોપારી આપી હતી
લૂંટ પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતાં બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને ઘટનાના દિવસે લૂંટનો ઇરાદો નહીં, પરંતુ એક યુવતી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યાનો ધડાકો કર્યો હતો. આરોપીઓએ કબૂલાત આપી હતી કે ધર્મ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીએ અગાઉ કુખ્યાત બિલ્ડર કમલેશ વશરામ રામાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કમલેશ ઉશ્કેરાયો હતો અને યુવતીને તેના રૂપનું ઘમંડ છે તેનો ચહેરો બગાડી દેવા માટે રૂ.1.35 લાખની ‘સોપારી’ આપી હતી અને તે પેટે કટકે-કટકે રૂ.35 હજાર ચૂકવી દીધા હતા.


આ પણ વાંચો : પોરબંદરઃ લોકસભાની ચૂંટણી પહેલા આહીર સમાજનું વિરોધ પ્રદર્શન


સમગ્ર કાવતરૂ કમલેશની ઓફિસે રચાયું

રાજકોટમાં બિગ બજાર સામે આવેલી કમલેશ રામાણીની ઓફિસની નીચે સમગ્ર કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. કાવતરૂ ઘડવામાં કમલેશ, અનમોલ, અફઝલ, જમાલ અને કલપેશ દક્ષિણી હાજર હતા. ઘટનાની રાત્રીના ચેતન, અનમોલ અને અફઝલ બાઇક પર એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા હતા, અફઝલ બાઇક પર બેઠો હતો જ્યારે અન્ય બંને આરોપીઓ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચ્યાં હતા, યુવતી નહીં મળતાં જતી વખતે વૃધ્ધા અને પ્રૌઢને લૂંટી લીધા હતા.


કમલેશ સહિત 6 શખ્સ સામે ગુનો દાખલ
આરોપી કમલેશ રામાણીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી પર છરીથી હુમલો કરી તેનો ચહેરો બગાડી દેવા ‘સોપારી’ આપ્યાનો ધડાકો થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.જેબલિયાએ ફરિયાદી બની આરોપી તરીકે કમલેશ સહિત છ શખ્સના નામ આપ્યા હતા. લૂંટના ગુનામાં પોલીસે ચેતન અને અનમોલની ધરપકડ કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી તેમજ ‘સોપારી’ કેસમાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.


કમલેશની ધરપકડ કરી તેને જામીનમુક્ત કર્યો હતો
યુવતીની ફરિયાદ પરથી પોલીસે તત્કાલીન સમયે કમલેશ રામાણી સામે IPC 376, 506 (2) અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કમલેશ રામાણી આગોતરા જામીન સાથે રજૂ થતા મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બી.ટી.વાઢીયા સહિતના સ્ટાફે કમલેશની ધરપકડ કરી તેને જામીનમુક્ત કર્યો હતો. ચર્ચાસ્પદ બનેલા દુષ્કર્મના બનાવ અંગેની વિશેષ તપાસ માટે રિમાન્ડ મગાશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

rajkot gujarat Crime News