જૂનાગઢમાં બે ઇંચ તો જેતપુર,ગોંડલ, ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

30 September, 2019 07:41 AM IST  |  રાજકોટ

જૂનાગઢમાં બે ઇંચ તો જેતપુર,ગોંડલ, ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં વરસાદી આફત

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં શનિવાર રાતથી ગઈ કાલ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. રાજકોટમાં ગઈ કાલે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં પણ ગઈ રાતથી સવાર સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ભાદર ડૅમ ટૂના દરવાજા ત્રણ ફીટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમ જ નીચાણવાળા વિસ્તારો અને ગામડાંઓને અલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઈ છે, કારમાં ત્રણ મહિલા ફસાઈ જતાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા છે.

જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદથી રામપરની નદીમાં એક કાર તણાઈ હતી. કારમાં બેથી ત્રણ મહિલા સવાર હતી. કાર હજી પાણીમાં ગરકાવ છે. પૂરનાં પાણીથી ત્રણેય મહિલાનાં મોત નીપજ્યાં છે. તેમના મૃતદેહને બહાર કાઢવા માટે ગામના લોકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે જેમાં ભૂપતભાઈ મારકણાને બચાવી લીધા છે. ભૂપતભાઈને ૧૦૮માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતાં રાજકોટના આજી એક અને બે તેમ જ ન્યારી એક અને બે ડૅમ ફરીવાર ઓવરફ્લો થયા છે. લાલપરી તળાવ પણ છલોછલ થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આગોતરું વાવેતર કરનાર માટે હાલનો વરસાદ નુકસાનકારક બન્યો છે.

રાજકોટમાં આજે સવારે ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર થયેલાં નવરાત્રિનાં આયોજનો કૅન્સલ થવાની શક્યતા છે. અર્વાચીન ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં અનેક આયોજનો કૅન્સલ થવાની સંભાવના છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સમાજ દ્વારા આયોજિત ગરબી રદ કરવામાં આવી છે. રાજકોટમાં ૧૫૦ ફીટ રિંગ રોડ પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોટડાસાંગાણી અને આટકોટ સહિતના પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતાં દોઢ ઇંચ નોંધાયો છે. પાટિયાળી પાસે આવેલો મોતીસર ડૅમના પાંચ દરવાજા ૪૦ ડિગ્રી સુધી ખોલાયા છે. આથી નીચાણવાળાં ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. નવી મેંગણી ગામની નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઊમટી પડ્યા હતા. ગોંડલમાં વીજળી પડવાથી પાવર ઓવરલોડ થતા એસીના શો રૂમમાં આગ ભભૂકતા બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો : પાટણમાં જળબંબાકાર, બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

વરસાદ અને આશાપુરા માનો મઢ સંખ્યામાં ઘટાડો, ઉત્સાહમાં નહીં

રાજકોટ (મિડ ડે પ્રતિનિધી) નવરાત્રિના દિવસો શરૂ થાય એટલે માઈભક્તો મા આશાપુરાનાં દર્શન કરવા માટે કચ્છના આશાપુરા માતાના મઢે જવા માટે રવાના થવા માંડે. અડધોઅડધ પદયાત્રા સાથે માનાં દર્શન કરવાની ભાવના રાખે તો અન્ય મળે એ વાહનવ્યવસ્થા સાથે માતાના મઢે પહોંચે. જોકે આ વખતે નવરાત્રિની પહેલાંથી જ ગુજરાત અને કચ્છમાં સાંબેલાધાર વરસાદ શરૂ થઈ ગયો હોવાથી નવરાત્રિના આરંભે માતાનાં દર્શન માટે જનારાઓની સંખ્યામાં અંદાજે ત્રીસેક ટકા જેટલો ઘટાડો નોંધાયો છે તો સામા પક્ષે જે પદયાત્રીઓ માતાના મઢે જવા માટે નીકળી ગયા છે તે અતિભારે વરસાદ વચ્ચે પણ ક્યાંય અટક્યા વિના આગળ વધી રહ્યા છે. આમ દર્શનાર્થીઓની સંખ્યા ચોક્કસ ઘટી છે, પણ ઉત્સાહ અને ઉમંગમાં લગીરે ઘટાડો દેખાતો નથી. પદયાત્રીઓ માટે ભુજથી માતાના મઢ સુધીના માર્ગ પર રસ્તામાં સેવાકર્મી ભાવિકો અને સંસ્થાઓ પાલ બનાવતી હોય છે પણ આ વખતે એ પાલની સંખ્યામાં પણ ઘટાડો દેખાય છે, જેના માટે પણ વરસાદ જવાબદાર છે. ભારે પવન સાથે વરસતા ગાજવીજ વરસાદને કારણે મંડપ બનાવી શકાય એવું નહીં હોવાથી ભાવિક શ્રદ્ધાળુઓ માટે વૅન અને બસની વ્યવસ્થા ઊભી કરીને એમાં પોતાના કૅમ્પ ચલાવે છે.

Gujarat Rains rajkot