ગુજરાત બીજેપીમાં છાને ખૂણે અસંતોષ પાટીલ મળશે ૨૦૧૭માં હારનારા ઉમેદવારોને

03 September, 2020 05:30 PM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાત બીજેપીમાં છાને ખૂણે અસંતોષ પાટીલ મળશે ૨૦૧૭માં હારનારા ઉમેદવારોને

પાટિલ

કૉન્ગ્રેસના લાવવામાં આવેલા વિધાનસભ્યને ટિકિટ આપવાનું કન્ફર્મેશન પહેલેથી આપી દેવામાં આવ્યું હોવાથી ૨૦૨૧ના ઇલેક્શનમાં બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્યો આડા ચાલે એવી શક્યતા દેખાતાં બીજેપીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કરવું પડ્યું છે

ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ સી. આર. પાટીલે ગુજરાતની ટૂર પૂરી કરીને હવે તરત જ એવા બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્યોને મળવાનું શરૂ કરવાના છે જે ૨૦૧૭ના ઇલેક્શનમાં હારી ગયા હતા. બન્યું એમાં એવું છે કે બીજેપીએ છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન કૉન્ગ્રેસના અનેક વિધાનસભ્યોને બીજેપીમાં લીધા છે. બીજેપીમાં આવેલા આ તમામ વિધાનસભ્યોને પહેલેથી પ્રૉમિસ કરી દેવામાં આવ્યું છે કે ૨૦૨૧ના વિધાનસભા ઇલેક્શનમાં તેમની ટિકિટ રિપીટ કરવામાં આવશે. આ પ્રૉમિસના કારણે એ જ બેઠક પરથી હારેલા બીજેપીના નેતાનો અસંતોષ બહાર આવવાનું શરૂ થયું છે. આ અસંતોષની સીધી અસર ૨૦૨૧ના રિઝલ્ટમાં દેખાઈ શકે છે. એવું બને નહીં અને ઇલેક્શનનું કામ શરૂ થાય એ પહેલાં જ વિરોધ અને અસંતોષ બન્ને ઓસરી જાય એવા હેતુથી સી. આર. પાટીલે નક્કી કર્યું છે કે તે એ તમામ નેતાને મળશે જે ૨૦૧૭ના વિધાનસભા ઇલેક્શનમાં હાર્યા છે. આ મીટિંગના બે ફાયદા બીજેપી જુએ છે. એક તો એ કે સ્થાનિક બેઠક પર વિરોધનો સૂર દેખાય નહીં અને કાર્યકર્તાઓમાં ભાગલા પડે નહીં. બીજો ફાયદો, જો કૉન્ગ્રેસમાંથી આવેલા આયાતી વિધાનસભ્ય કરતાં પણ વધારે સારું કામ બીજેપીના નેતાએ કર્યું હોય તો હાલના વિધાનસભ્યને અત્યારથી જ સમજાવવાનું કામ શરૂ કરી બીજેપીના નેતાને કામગીરી ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દેવું.
સી. આર. પાટીલે અત્યારે પચાસ એવા નેતાઓને મળવાનું નક્કી કર્યું છે જે કૉન્ગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા. આ મીટિંગ વન-ટુ-વન થશે. મીટિંગમાં અન્ય કોઈને સાથે હાજર ન રાખવા એવું પણ સી. આર. પાટીલ ઇચ્છે છે. મીટિંગમાં સૌથી પહેલાં એવા નેતાઓને બોલાવવામાં આવશે જે બહુ પાતળા માર્જિનથી કૉન્ગ્રેસ સામે હાર્યા હતા.

Rashmin Shah rajkot gujarat bharatiya janata party Gujarat BJP